ગુજરાતમાં હવે મેઘરાજાની પુન:પધરામણી થઇ ચૂકી છે. છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આજે તડામાર વરસાદ વરસી શકે છે. આજે રાજ્યમાં સુરત, વલસાડ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડામાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા ધડબડાટી બોલાવશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આજે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માત્ર એક જ દિવસમાં 152 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો.
ધોધમાર વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ અને જળાશયો ઓવરફ્લો જોવા મળી રહ્યાં છે. ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ હાલ વધારો થયો છે. ઉકાઈ ડેમની હાલની જળસપાટી 341.22 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટે છે. ઉકાઈ ડેમમાં 1 લાખ 40 હજાર 971 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 75 હજાર 894 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમના હાલ 14 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા છે.
બીજી બાજુ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. હાલ નદીના જળ સ્તર 18.4 ફૂટે પહોંચ્યા છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે. તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજી વાર પૂર્ણ સપાટીએ છલકાયો છે.