આતંકવાદી સાજિદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને રોક લગાવી છે.મીર ભારતનો મોસ્ટ વોંટેડ આતંકવાદી છે જે 2008નાં મુંબઈ હુમલામાં સામેલ હતો
લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવને ચીને અવરોધ્યો છે. ભારતે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે અને 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર પણ છે.
બેઇજિંગે યુએન સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવા અને બ્લેકલિસ્ટ કરવાના યુએસ ઠરાવને ગુરુવારે અવરોધિત કર્યા હોવાના અહેવાલ છે.મહત્વનું છે કે, ભારત દ્વારા સમર્થિત આ દરખાસ્ત હેઠળ, મીરની મિલકતો જપ્ત કરવામાં આવી હોત અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હોત.
26/11ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા માટે મીર પર $5 મિલિયનનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જૂનમાં તેને પાકિસ્તાનમાં ટેરર ફંડિંગના કેસમાં 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે પાકિસ્તાન સરકારે કહ્યું હતું કેમ મીર મરી ગયો છે, જેના પર પશ્ચિમી દેશો વિશ્વાસ કરતા નથી.