ટિકિટ વગર કે અનિયમિત ટિકિટ પર ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પર નજર રાખવા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનના વાણિજ્ય વિભાગની ટીમે સઘન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત 16 સપ્ટેમ્બર 2022ના રોજ ભાવનગર ડિવિઝનમાં 184 વ્યક્તિઓ પાસેથી 1 લાખ 63 હજાર 945 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.ભાવનગર રેલ્વે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર ડિવિઝન વતી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની આગેવાની હેઠળ ટ્રેનોમાં ટિકિટ વિનાની મુસાફરીને અટકાવવા માટે મંડળ રેલ પ્રબંધક મનોજ ગોયલના નિર્દેશાનુસાર મંડળ પર સઘન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર-ધોળા-બોટાદ-સુરેન્દ્રનગર ગેટ સેક્શનમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરની આગેવાની હેઠળ ટિકિટ ચેકિંગ સ્ટાફે રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે ટિકિટનું ચેકિંગ કર્યું હતું અને બીજી તરફ રાજકોટ-જૂનાગઢ-વેરાવળ સેક્શનમાં સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની આગેવાની હેઠળ ટિકિટ ચેકિંગ સ્ટાફે સુરક્ષા દળ સાથે ટિકિટ ચેકિંગ કર્યું હતું. અન્ય સેક્શનોંમાં, ટિકિટ નિરીક્ષકોના જૂથો ઝુંબેશમાં સામેલ હતા. આ ટિકિટ ચેકિંગ ઝુંબેશ દરમિયાન, વિવિધ ટ્રેનો અને સ્ટેશનો પર કરાયેલા ચેકિંગમાં 184 વ્યક્તિઓ સામે અનધિકૃત ટિકિટો અથવા બુક વગરના સામાન સાથે મુસાફરી કરવાના કેસ નોંધાયા હતા. આ કેસોમાં રેલવેને 1 લાખ 63 હજાર 945 રૂપિયા ના રાજસ્વ પ્રાપ્ત થયો છે. આ ડ્રાઇવ ટિકિટ વિનાના પ્રવાસીઓને રોકવા માટે ચાલુ રહેશે.