ભાવનગરના નવાપરા વિસ્તારમાં તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર હુમલો કરવાના ગુનાના મુખ્ય આરોપી વલી હાલારીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત થતા સી.જી.એસ.ટી.ટીમે તેને કસ્ટડીમાં લઈને માર માર્યો હોવાના આક્ષેપ સાથે ગત રાત્રીના હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ ગત જુલાઈ માસમાં શહેરના નવાપરા વિસ્તારમાં બોગસ બીલિંગ અંગે તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર આઠ વ્યક્તિએ હુમલો કરતા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ ઘટનામાં એલ.સી.બી.એ અગાઉ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી વલીમહંમદ જમાલભાઈ હાલારી રહે.નવાપરાની શનિવારે ધરપકડ કર્યા બાદ રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો,જ્યાં તે જામીનમુક્ત થતા સી.જી.એસ.ટી.ટીમે તેને કસ્ટડીમાં લીધો હતો.
સી.જી.એસ.ટી.ટીમે કસ્ટડીમાં લીધા બાદ રાત્રીના સમયે તેને માર મારવામાં આવ્યાના આક્ષેપ સાથે સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ વલી હાલારીએ સી.જી.એસ.ટી.ના એક વ્યક્તિએ લાકડી વડે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાનું કહીને રૂ.૫૦ લાખની પણ માંગણી કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.
જાે કે વલી હાલારી સાથે આવેલ સી.જી.એસ.ટી. વિભાગના કર્મચારીએ વલી હાલારીના આક્ષેપમાં તથ્ય ન હોવાનું મીડિયાને જણાવ્યું હતું. આ ઘટના અંગે સી.જી.એસ.ટી.વિભાગના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા અધિકારીઓએ ફોન ઉપડ્યા ન હતા.