રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેરમાં પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ તા.૧૮ને રવિવારે યોજાયેલ જેમાં એક જ દિવસમાં ૧.૦૭ લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા હતાં. તમામ વોર્ડમાં ૩૩ ટ્રાન્સીસ્ટ ટીમો, ૩૫ મોબાઇલ ટીમ અને ૪૪૧ બુથમાં પોલીયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. મેયર કિર્તીબેન દાણીધારીયા તેમજ કમિશનર ઉપાધ્યાય સહિત આગેવાનો દ્વારા બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
ભાવનગર શહેરમાં નોંધાયેલા ૧,૨૨,૯૫૫ બાળકોની સામે રવિવારે એક જ દિવસમાં મહાપાલિકા દ્વારા ૧,૦૭,૧૧૫ બાળકોને પોલીયોથી રક્ષિત કરાવાયા હતાં. હવે આજથી ત્રણ દિવસ બાકી રહેલા બાળકોને ઘેર ઘેર જઇ પોલીયોના ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવશે.