વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગર મુલાકાતની તારીખ આખરે નિશ્ચિત થઈ ચૂકી છે, તેઓ ૨૯મિએ ભાવનગર આવશે અને એરપોર્ટથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય રોડ શો કરશે. બાદમાં જવાહર મેદાનમાં જંગી જાહેર સભા સંબોધશે. વડાપ્રધાનની મુલાકત સંદર્ભે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સોમવારે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ એક બેઠક આયોજન અને તૈયારીઓ અંગે યોજી હતી.
તેમની સાથે આ બેઠકમાં પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, , સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા તથા જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાવનગરની ધરતી પર આવી રહ્યાં છે ત્યારે તેમનું અદકેરું સ્વાગત થવું જાેઇએ. આ માટેની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા તેમણે આ બેઠકમાં કરી હતી.
તેમણે લોજીસ્ટિક, વાહન વ્યવસ્થા, સેનિટેશન, પાણી, પાર્કિંગ અંગે ત્રણેય જિલ્લા વચ્ચે સંકલનથી કાર્ય કરવાં માટે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ગુણાત્મક રીતે કાર્ય કરીને વિવિધતા સાથે વડાપ્રધાનનું સ્વાગત થાય તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે તેમણે વડાપ્રધાનને આવકારવાં માટે ૨ થી ૨.૫ લાખ લોકો જવાહર મેદાન ખાતે ઉમટી પડશે. આ ઉપરાંત તેમના રોડ શો માં ૫૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેશે તે રીતનું આયોજન થઇ રહ્યાની વિગતો મીડિયા સાથેની વાતચીતમાં આપી હતી.
શહેરમાં વડાપ્રધાનના રોડ શો રૂટની ચકાસણી કરતા મંત્રીઓ, પદાધિકારીઓ
વડાપ્રધાનની મોદીની ભાવનગર મુલાકાત દરમિયાન તેઓ એક રોડ શો પણ કરવાના છે તેને લઇને તેમના સંભવિત રોડ શો ના માર્ગ એરપોર્ટ રોડથી લઇને રૂપાણી સર્કલ સુધીના સંભવિત માર્ગ પર કોન્વોય સ્વરૂપે ફરીને તેની જાત તપાસ કરી હતી. આ સંભવિત રોડ શો માટે ટ્રાફિક, રોડની પહોળાઇ, તેમની સુરક્ષા સહિતના તમામ પાસાઓની જાત તપાસ કરી હતી. મહાનુભાવોએ વડાપ્રધાનની ભાવનગરની મુલાકાતને યાદગાર બનાવવાં માટે ભાવેણાવાસીઓના થનગનાટને અનુરૂપ સુશોભન સહિતની વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી હતી.