ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે.
છેલ્લા ઘણાં દિવસથી ગાંધીનગરમાં માજી સૈનિકો દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આંદોલન ચાલી રહ્યું હતું. માજી સૈનિક સંગઠનના પ્રમુખ પડતર માંગને લઈને ઉપવાસ ઉપર બેઠા હતા. ત્યારે હવે પડતર મુદ્દાઓ ઉપર રાજ્ય સરકારે એક કમિટી બનાવવાની તૈયારી દર્શાવી. જેમાં સરકારે પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. સરકારે ખાતરી આપતા આખરે માજી સૈનિકોએ આંદોલન સમેટી લીધું છે.
સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. પાંચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી. 14 પડતર પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવી. નિવૃત્ત સૈનિકોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું છે.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવતાં જ વિવિધ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલન શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ ગાંધીનગરમાં એક બે નહીં પણ 18-18 આંદોલનો એક સાથે ચાલી રહ્યાં છે. જેમાંથી એક આંદોલનને આજે સમેટી લેવાયું છે.