મોહાલીમાં રમાયેલી પહેલી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વિજયી શરુઆત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત તરફથી મળેલા ૨૦૯ રનનો ટાર્ગેટ ૬ વિકેટમાં પુરો કરીને મેચ જીતી લીધી હતી અને ૩ મેચની સિરિઝમાં ૧-૦થી આગળ થયું હતું. ૨૦૯ રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરુઆત પણ તોફાની રહી હતી. ઓસ્ટ્રેલિયના કેપ્ટન એરોન ફિંચ, કેમરુન ગ્રીન, સ્ટીવ સ્મિથ અને છેલ્લી ઓવરમાં મૈથ્યુ વેડે જોરદાર જોરદાર ઈનિંગ કરીને ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦નો સૌથી મોટો સ્કોર ખડક્યો હતો તેમ છતાં તેનો પરાજય થયો હતો.
પહેલા બેટિંગ કરીને ટીમ ઈન્ડીયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૮ રન કર્યાં હતા. આજની ટી૨૦માં કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાં ઓસ્ટ્રેલિયન બોલરનો દમ કાઢી નાખ્યો હતો. રાહુલે ૫૫ રન કર્યાં હતા. તેના આઉટ થયા પછી આવેલા હાર્દિક પંડ્યાએ છેલ્લી પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયન બોલર છક્કા છોડાવી દીધા હતા. હાર્દિકે ફક્ત ૩૦ બોલમાં ૭૧ રન કરીને ટીમ ઈન્ડીયાને ૨૦૮ રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
૧૭મી ઓવરમાં હર્ષલ પટેલે ૨૨ રનની લૂંટ ચલાવી છે અને અહીં મેચ ભારતના હાથમાંથી જતી રહે તેવું લાગી રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાને હવે માત્ર છેલ્લી ૨ ઓવરમાં ૧૮ રનની જરુર હતી.
આ મેચમાં ભારતીય બોલર કાચા પડ્યાં હતા. ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર ભુવનેશ્વર કુમારે ૪ ઓવરમાં ૫૨ રન આપ્યા હતા અને કોઇ વિકેટ લીધી ન હતી. યુઝવેન્દ્ર ચહલની પણ આવી જ હાલત હતી, જેણે માત્ર ૩.૨ ઓવરમાં ૪૨ રન લીક કરી દીધા હતા. જ્યારે લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલા હર્ષલ પટેલે ૪ ઓવરમાં ૪૯ રન આપ્યા હતા. અહીં માત્ર એક અક્ષર પટેલ સફળ રહ્યો હતો. તેણે ૪ ઓવરમાં ૧૭ રન આપ્યા હતા અને ૩ વિકેટ ઝડપી હતી.
હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી૨૦ ૨૩ સપ્ટેમ્બરે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.