માં આદ્ય શકિતની સાધના અને આરાધનાના સૌથી લાંબા અને અનન્ય મહાત્મ્ય ધરાવતા નવલા નવરાત્રિ મહોત્સવના પવિત્ર દિવસોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયેલ છે. ત્યારે શહેરના કુંભારવાડા, રૂવાપરી રોડ, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિત શહેર તથા જિલ્લામાં ચોમેર માટીના ગરબાના ઉત્પાદન કેન્દ્રોમાં છેલ્લા સપ્તાહથી ભારે ધમધમાટ જાેવા મળી રહ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની કૃપા દ્રષ્ટિ રહેતા અને તડકો પણ જરૂરિયાત મુજબ નિકળતા ગરબાનુ ઉત્પાદનકાર્ય સારૂ થવા પામ્યું છે. કુભાર કારિગરો દ્વારા મોટા પ્રમાણમાં માટીના ગરબાનુ ઉત્પાદન કરવામાં આવ્યું છે. અને ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ મહત્વ અને ચલણ જાેવા મળી રહ્યુ છે.
નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટ સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. નારી ગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોના તળાવમાંથી સ્થાનિક પરિવારો ચીકણી માટી લાવીને તેને ભારે જહેમત ઉઠાવીને ખુંદવામાં આવે છે. માટીકામના કલાકારો પણ તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા, ગરબા અને દિવેટીયાને અવનવામનોહર આકારો આપવામાં મગ્ન બન્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે,શહેરના કુંભારવાડામાં શ્રમિકો દ્વારા તૈયાર કરાતા આ ગરબાની ભાવનગર અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી ડિમાન્ડ જાેવા મળી રહી છે. મોટા ભાગના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા આગામી દિવસોમાં મંગલ મુર્હૂતે પવિત્ર ગરબાની ખરીદી કરાશે.
એક અંદાજ મુજબ શહેર અને જિલ્લામાંં વસતા કુંભાર પરિવારના ૧૦૦થી વધુ શ્રમિક કારીગરો દ્વારા મોટી સંખ્યામાં ગરબા તૈયાર કરાય છે. તૈયાર ગરબાના હોલસેલ અને રીટેઈલર્સ વિક્રેતાઓ હોલસેલના ભાવે અંદાજે રૂા ૨૫ થી લઈને રૂા ૧૫૦ આસપાસના એક લેખે સાદા અને ફેન્સી (ડિઝાઈનર) ગરબા ખરીદે છે. ફેન્સી ગરબાઓ રાજકોટ, અમદાવાદથી આવેલ છે. કેટલાક કારીગરો અને મહિલાઓની સ્વૈચ્છિક સંસ્થાઓ સાદા ગરબા ખરીદી તેને મનોહર રંગોથી આકર્ષક બનાવી વેચાણ કરે છે. આમ ડિઝાઈનર અને ફેન્સી ગરબાની સામે આજે પણ માટીના ગરબાનુ ચલણ યથાવત રહેવા પામેલ છે.