વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફીનાઇલ ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. જેલ પ્રશાસનના ત્રાસને પગલે કેદીઑએ ફિનાઈલ પીધુ હોવાની રાવ ઉઠતાં ચકચાર મચી જવા પામી છે. જેને લઈને કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ પીધાની ઘટના સામે આવી છે. નોકરી મામલે છેતરપિંડીના ગુન્હામાં હર્ષિલ લિંબાચીયા અને પાદરામાં મર્ડર કેસમાં ચર્ચાતું નામ અભી ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેને પગલે એસએસજી હોસ્પિટલ ખાતે તમાંમની સારવાર ચાલી રહી છે. જ્યાં સારવાર દરમિયાન હર્ષિલે હોસ્પિટલમાં જેલ તંત્ર પર ત્રાસ આપવા સહીત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યા હતા. રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક ધગધગતી રાવ કરાઇ છે.
બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક ડીસીપી ઝોન 2નાં અભય સોની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયા ફરિયાદ નોંધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેલ સંકુલમાં હાહાકાર મચાવતી આ ઘટના અંગે જેલમાં ફિનાઈલ કેદીઓ સુધી કોણે પહોંચાડ્યું તે સહીતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કેદીઑની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ બાદ વધુ માહિતી બહાર આવશે.