નવરાત્રીમાં તારા વિના શ્યામ મને એકલડું લાગે…. ગરબો સાંભળ્યો હશે અને તેના પર ગરબે પણ ઘુમ્યા હશો. આ ગરબો વડોદરા સહિત દેશ અને દુનિયાના લોકોને પોતાના અવાજના સૂરથી ડોલાવતા ગાયક અતુલ પુરોહિત અને તેમના મિત્રોનું સહિયારું પ્રદાન છે. જેથી આ ગરબા પર હવે અતુલ પુરોહિતે કોપીરાઇટ હાંસલ કર્યો છે.
અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વ્હેલો આવજે…. ગરબો ઇ.સ. 1982માં લખાયો હતો. પ્રથમવાર આ ગરબો વડોદરાના મહેસાણાનગરના ગરબા ગ્રાઉન્ડ પર ગાયો હતો. કોપીરાઇટ અંગે અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે આ ગરબા પર મેં કોપીરાઇટ કરાવ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ ગરબો કોઇ ગાઇ ન શકે. કોપીરાઇટ મેળવવાનો એટલો જ ઉદ્દેશ્ય છે કે આ ગરબો અમારુ સહિયારુ સર્જન છે. તારા વિના શ્યામ…ગરબો મેં, વિનોદ આયંગર, કુશલ મહેતા, અસીમ સરકાર, કૌશિક મિસ્ત્રી અને અચલ મહેતા બધાએ ભેગા થઇને બનાવ્યો છે. તેથી આ ગરબા પર મારો હક-દાવો જમવાવાનો કોઇ જ આશ્રય નથી. મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે આજકાલ કોઇ વસ્તુ પ્રખ્યાત થાય એટલે કોઇ પણ કંપની તેને ધડ દઇને રજીસ્ટર કરાવી દે છે અને તેનો કોપીરાઇટ કરાવી દે છે. આ ગરબા પર કોઇ રોયલ્ટી નથી લેવાનો, ગરબો બધા ગાઇ શકે છે.