આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10 ટકા EWS ક્વોટાને પડકારતી અરજીઓ પર આ દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એક તરફ આ અનામતને પડકારતી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, આ વ્યવસ્થા બંધારણની જ વિરુદ્ધ છે. સાથે જ સરકારે કોર્ટમાં કહ્યું છે કે, બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે અનામતનો આધાર આર્થિક ન હોઈ શકે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ ક્વોટા માટે બંધારણમાં કરવામાં આવેલો 103મો સુધારો સંપૂર્ણપણે સાચો છે.
તેમણે કહ્યું કે આ સુધારો બંધારણના અનુચ્છેદ 46 હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતો માટે પગલાં ભરવા જોઈએ. એટલું જ નહીં, સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલોએ કહ્યું કે, ઈડબલ્યુએસ ક્વોટાથી એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકોને મુશ્કેલી ન થવી જોઈએ. તેનાથી તેમને કોઈ ફરક નહીં પડે કારણ કે તેમનો ક્વોટા સમાન રહેશે. તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા ક્વોટા આપવામાં આવ્યો છે જે 50 ટકા બિનઅનામત બેઠકો માટે છે.
આ દરમિયાન સરકારે મોટા આંકડા આપીને કહ્યું કે સામાન્ય વર્ગના 5.8 કરોડ લોકો દેશમાં ગરીબી રેખાથી નીચે છે. આ સિવાય જનરલ કેટેગરીના 35 ટકા લોકો એવા છે જે જમીન વિહોણા છે અને આ ક્વોટા માત્ર તેમના માટે જ છે. “સામાન્ય વર્ગમાં આવતા સમુદાયોના ઘણા બાળકોને ખેતરો અને કારખાનાઓમાં કામ કરવું પડે છે. આનું કારણ એ છે કે ગરીબીને કારણે તેઓ શાળાએ જઈ શકતા નથી અને સરકાર તેમની મદદ કરવા માટે બંધાયેલી છે. સોલિસિટર જનરલે કહ્યું કે, ગરીબી લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સરકાર લાવ્યા છે. આ કિસ્સામાં, ફક્ત તે જ ચકાસવું જોઈએ કે તે બંધારણની મૂળભૂત ભાવનાનું ઉલ્લંઘન કરે છે કે નહીં.