એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) દાવો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)એ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેલીને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી. આ સિવાય યુપીમાં સંવેદનશીલ જગ્યાઓ અને વ્યક્તિઓ પર હુમલો શરૂ કરવા માટે આતંકવાદી મોડ્યુલ, ઘાતક હથિયારો અને વિસ્ફોટકોના સંગ્રહ કરવામાં આ વિવાદિત સંગઠન સામેલ હતું.
એક રિપોર્ટ મુજબ ઈડીએ ગુરુવારે કેરળથી ધરપકડ કરવામાં આવેલા પીએફઆઈ મેમ્બર શફીક પાયેથની વિરુદ્ધ પોતાની રિમાન્ડ નોટમાં દાવો કરતા કહ્યું છે કે આ વર્ષે 12 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના યાત્રા દરમિયાન, સંગઠને તેમની પર હુમલો કરવા માટે એક શિબિરનું પણ આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2013માં પટનાના ગાંધી મેદાનમાં પીએમ મોદીની રેલમાં સંખ્યાબંધ વિસ્ફોટ થયા હતા.
ઈન્ડિય મુજાહિદીન સાથે સંકળાયેલા આતંકવાદીઓએ આ બ્લાસ્ટ કર્યા હતા. જે ભારતમાં પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવેમેન્ટના સભ્ય રહી ચુક્યા હતા. ઉલ્લેખનીય છે કે સીમી પણ પીએફઆઈ જેવું જ એક સંગઠન હતું. ઈડીએ છેલ્લા થોડા વર્ષોમાં આ સંગઠન ઠારા એકત્રિત કરવામાં આવેલા 120 કરોડ રૂપિયાનું વિવરણ મળવ્યું છે. જે મોટાભાગે કેશમાં જ મેળવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ ફન્ડનો ઉપયોગ સમગ્ર દેશમાં તોફાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. ઈડીએ 22 સપ્ટેમ્બરે પીએફઆઈની વિરુદ્ધ સમગ્ર દેશમાં રેડ પછી તેના 4 સભ્યોની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિત ઘણી એજન્સીઓએ આ સંગઠન સાથે જોડાયેલા 100થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ઈડીએ સંગઠનના ત્રણ અન્ય પદાધિકારીઓની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. તેમના નામ- પરવેઝ અહમદ, મોહમ્મદ ઈલિયાસ અને અબ્દુલ મુકીત. 2018થી પીએફઆઈની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ તપાસ શરૂ થયા પછી તપાસ એજન્સીઓએ આ બધાની ઘણી વખત પુછપરછ કરી છે.
ઈડીએ એક સમયે કતરમાં રહેનાર શફીક પાયેથ પર દેશમાં અરાજકતા ફેલાવવા માટે વિદેશમાંથી પીએફઆઈના પૈસા ટ્રાન્સફર કરવા માટે ભારતમાં પોતાના એનઆર આઈ ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીના જણાવ્યા અનુસાર, પાયેથના ઠેકાણો પર ગત વર્ષે તેણે રેડ કરી હતી. તેમાં રિયલ એસ્ટેટ વ્યવસાયોમાં રોકાણ અને પીએફઆઈમાં તેમના પૈસાના ડાયવર્ઝનનો ઘટસ્ફોટ થયો હતો. ઈડીના જણાવ્યા મુજબ પીએફઆઈ અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓના ખાતામાં છેલ્લા થોડા વર્ષોમાં 120 કરોડ રૂપિયાથી વધુ પૈસા જમા થયા છે. ઈડીએ વધુમાં દાવો કર્યો છે કે આ પૈસાનો ઉપયોગ ફેબ્રુઆરી 2020ના દિલ્હીના રમખાણોમાં પણ થયો હતો.