ભારતીય શેરબજારપર આજે સતત ચોથા સત્રમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજારમાં આજે પણ મોટો કડાકો બોલ્યો છે. વૈશ્વિક દબાણ અને વેચવાલીના પગલે તમામ એશિયન બજારો સવારથી ઘટાડા સાથે કામ કરી રહ્યા હતા. તેવામાં ભારતીય શેરબજાર પણ ખૂલતાંવેત જ ઊંધા માથે નીચે પછડાયું છે. સેન્સેક્સ સવારે 700 પોઇન્ટથી પણ વધુના કડાકા સાથે ખૂલ્યો હતો અને સતત નીચે જઈ રહ્યો છે જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટ કરતા વધુ તૂટતા 17000 આસપાસ પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં અમેરિકા અને યુરોપમાં મંદીની શક્યતાને જોતા અફરાતફરી મચી છે.
છેલ્લા કારોબારી સત્ર 23 સપ્ટેમ્બરના રોજ સતત ત્રીજા દિવસના ઘટાડામાં બજાર સાવ પડી ભાંગ્યું હતું અને બીએસઈ સેન્સેક્સ 1021 પોઈન્ટની ધોબી પછાડથી 59 હજારની સપાટી તોડીને 58,099 પર આવી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 302 અંક તૂટીને 17,327 પહોંચી ગઈ હતી. આ દરમિયાન ઓટો અને એફએમસીજી તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં સતત ત્રીજીવાર વધારા અને આગળ પણ વધારો કરશે તેવા સંકેતો બાદ અમેરિકન બજારમાંથી રોકાણકારો પોતાના નાણાં ધડાધડ કાઢી રહ્યા છે. રોકાણકારો દ્વારા બજારથી અંતર બનાવવાનું શરું થતાં અમેરિકાના તમામ મુખ્ય બજારો ધડામ કરીને તૂટી પડ્યા છે. પાછલા કારોબારી સત્રમાં પણ અમેરિકાના મુખ્ય ઇન્ડેક્સ પૈકી NASDAQ પર 1.80 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો અમેરિકાના પગલે પહેલાથી જ મંદીના ભણકારા સાંભળી રહેલા યુરોપમાં પણ તમામ બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપમાં મુખ્ય બજારો પૈકી જર્મની સ્ટોક એક્સચેન્જ તેના છેલ્લા કારોબારી સત્રમાં 1.97 ટકા જેટલા મોટા કડાકા સાથે બંધ થયું છે. તો ફ્રાંસનું શેરબજાર 2.28 ટકાના ઘટાડા સાથે ધડામ કરતું તૂટી પડ્યું છે. તેવી જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જ પણ 1.97 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.