હિન્દુ સંસ્કૃતિના સૌથી લાંબા તહેવાર પૈકીના નવરાત્રી મહાપર્વનો આજે સોમવારથી મંગલમય પ્રારંભ થયો છે. નવરાત્રીના પ્રારંભ સાથે જ ભાવિકો ભક્તિમાં લીન બન્યા છે.શહેરના દેવી મંદિરોમાં દર્શન માટે સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી હતી જ્યારે સાજના સમયે માતાજીની આરતીમાં પણ લોકો ઉમટી પડશે.
તહેવારોની ઉજવવામાં હંમેશાં તત્પર રહેતા ગુજરાતીઓના પ્રિય એવા નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રી પર્વની ઉજવણીથી વંચિત રહેલા લોકો આ વખતે ઉજવણીમાં કોઇ કસર છોડવા માગતા ન હોય તેવો માહોલ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી બજારમાં પણ નવરાત્રીની રોનક જાેવા મળી રહી છે ત્યારે આજથી નવલા નોરતાનો પ્રારંભ થતા ધર્મ પ્રેમીઓ માતાજીના દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા.
આજે સવારથી જ શહેરના હાઈકોર્ટે રોડ પર આવેલા નાના અંબાજી મંદિર, મામાના ખારણીયા ખાતે આવેલા મોટા અંબાજી મંદિર, વોરાબજારમા મહાલક્ષ્મી મંદિર, બાર્ટન લાઈબ્રેરી સામેના બહુચરાજી મદિર, સિંધુનગર નજીક આવેલા ચામુંડા માતાજીના મંદિર, કાળિયાબિડના મેલડી માતાજીના મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા દેવી મંદિરોમાં ભકતોની ભીડ જાેવા મળી હતી.
નવરાત્રીના પ્રારંભ સાથે જ લોકોએ પોતાના ઘરમાં પણ ગરબાની સ્થાપના કરવા સાથે પૂજન અર્ચન કર્યા હતા. જ્યારે માયભક્તોએ નવરાત્રીના અનુષ્ઠાનનો પણ પ્રારંભ કર્યો હતો. હવે ભાવિકો નવ દિવસ સુધી માતાજીની ભક્તિ અને આરાધનામા લીન રહેશે.