ભાવનગરમાં એક સમયે સીટી બસ સેવા રાજ્યમાં મોડેલ ગણાતી. પરંતુ ભાજપ શાસનની આ ભેટ ભાજપના શાસનકાળ દરમિયાન જ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે., હાલ ભાવનગરમાં માત્ર સમ ખાવા પૂરતી સીટી બસ સેવા કાર્યરત છે, જેનો વ્યાપ વધારવા વ્યાપક લોકમાંગ છે તેમજ આમ આદમી પાર્ટીએ પણ મુદ્દો હાથ પ્ર લઈ અગાઉ બે વખત કાર્યક્રમ યોજી અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કોઈ કારણોસર શાસકો સીટી બસ સેવા મુદ્દે નિષ્ક્રિય છે અથવા તો આપે મુદ્દો હાથમાં લીધો એટલે તેને જશ નહિ આપવા કંઇ કરવા નથી માંગતા.
વડાપ્રધાન ૨૯મીઍ ભાવનગરમાં છે, તેના આગમનની કલાકો ગણાઈ રહી છે ત્યારે આજે આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનમાં મેયર ડે.મેયર અને સ્ટે.ચેરમેનની ચેમ્બરમાં દરવાજે સીટી બસ સેવા મુદ્દે અલ્ટિમેટમ આપતા સ્ટીકર ચોડ્યા તેમજ દરેકની સરકારી કાર પર પણ સ્ટીકર લગાવી ગરમાવો સર્જ્યો હતો.
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે અને વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે જ આમ આદમી પાર્ટીની આક્રમકતા એ શાસકો પરની ભીંસ ચોક્કસ વધારી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક છેવાડાના વિસ્તારોની સીટી બસ સેવા બંધ છે. આથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તેમજ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે મહાપાલિકા સંચાલિત સીટી બસ સેવામાં સુધારો આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે પરંતુ શાસકો કે મ્યુ.તંત્ર વાહકો તેની અવગણના કરી રહ્યા છે જે સામે લોકોમાં પણ રોષ રહેલો છે.