વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપીને અમદાવાદ-મુંબઇ ટ્રેન માટે રૂટ ખુલ્લો મૂક્યો છે. સામાન્ય જનતા માટે રેલવે સ્ટેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યા છે.
ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ વંદે ભારત ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂપિયા 100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.
2023 સુધી દેશમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અન્ય બે ટ્રેનો દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરાની વચ્ચે ચલાવવામાં આવી રહી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સમારોહના ભાગરૂપે માનનીય વડાપ્રધાને ઓગસ્ટ 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા
GSM અથવા GPRS
ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
સીસીટીવી કેમેરા
પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
વેક્યૂમ બાયોટોયલેટ્સ
સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
વાઇફાઈની સુવિધા
દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ
અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
PM મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂ.1967 કરોડના ખર્ચે આવાસનું પણ ખાતમુહૂર્ત કરશે. રૂ.124 કરોડના ખર્ચે તૈયાર થનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું પણ PM મોદી લોકાર્પણ કરશે. આ સિવાય તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM મોદી ભૂમિપૂજન કરશે. રૂ.2798 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ડીસા એરફોર્સ સ્ટેશનમાં રનવે ઇન્ફ્રાન્ટ્રક્ચર સંબંધિત કામનું ભૂમિપૂજન કરશે. PM મોદી અંબાજીમાં આજે જાહેરસભાને પણ સંબોધશે. ત્યાર બાદ સાંજના 7 વાગ્યે PM મોદી અંબાજીમાં પૂજા કરશે. PM મોદી ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લેશે. PM મોદી ગૌવંશોના નિભાવ ખર્ચ માટેની યોજનાની પણ શરૂઆત કરાવશે. આ સાથે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. PM મોદી અંબાજીથી આ યોજનાનો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે વર્ષ 2022-23ના બજેટમાં આ અંગે જાહેર કરી હતી.