દ્વારકામાં PFIની આશંકાએ મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં SRP અને SP સહિત ચુસ્ત પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્જ IG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેટ દ્વારકામાં ધામા નાખ્યા છે. અંદાજે 1 હજાર પોલીસ જવાનોને બેટ દ્વારકામાં ખડકી દેવાયા. આથી, બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્યતા સેવવામાં આવી રહી છે. સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર થઇ શકે છે.
યાત્રાધામ બેટ દ્વારકામાં PFI કનેક્શનની આશંકાએ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશન સહિતનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. બેટ દ્વારકામાં સંભવત હાથ ધરાનારી ડીમોલીશન કાર્યવાહી માટે જુદા-જુદા સરકારી વિભાગો ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એક હજારથી વધુ જવાનો તૈનાત કરી દેવાયા છે. આ મેગા ઓપરેશનમાં મહેસૂલ, પંચાયત અને મેરીટાઇમ ઉપરાંત વીજતંત્ર સહિતના જુદા-જુદા વિભાગો પણ જોડાશે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ઑપરેશન માટે ભારે સતર્કતાથી કાર્યવાહી આગળ ધપી રહી છે. કથિત દેશદ્રોહી કૃત્યો મામલે પણ રાજય-કેન્દ્રની એજન્સીઓને પ્રાપ્ત થયેલા મનાતા અમુક ઇનપુટના આધારે આ ઑપરેશન હાથ ધરાઇ રહ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદે પ્રવૃત્તિ મેગા ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.
ઉલ્લેખનીય છે કે, PFI પર પ્રતિબંધ બાદ વડોદરામાં પણ ATS દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બાવામાનપુરા વિસ્તારમાં આવેલી આયેશા મસ્જિદમાં ATSની ટીમ ત્રાટકી હતી. NIAના ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના બાવામાનપુરા વિસ્તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદ્રસા-એ-હિફઝુલ ઈમામ સંસ્થાની બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓલ ઈન્ડિયા ઇમામ કાઉન્સિલની બેઠક મદ્રસા-એ-હિફઝુલ ઈમામ સંસ્થામાં મળી હતી.