મોરારી બાપુ કે જેઓ કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. અગાઉ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પર કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે વ્યાસપીઠ પરથી તેઓનું વધુ એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ‘હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો. હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું તો મારી આકરી ટીકા થાય છે. હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી શકતું નથી. હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી. મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?’
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પણ અગાઉ ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. ત્યારે મોરારી બાપુએ કોઇ પણનું નામ લીધા વિના આડકતરી રીતે હિંદુત્વના પ્રહરીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘હું હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો, હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ બોલી નથી શકતું.’






