કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને રાજીનામું સોંપ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, કોંગ્રેસમાં એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ખડગેએ રાજીનામું આપ્યું છે. ખડગે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમનો સીધો મુકાબલો શશિ થરૂર સાથે થશે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને ઉમેદવારી પત્રની તપાસ કરી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ આઠ ઓક્ટોબર છે. જો ખડગે ચૂંટણી જીતે છે, તો તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ (એઆઈસીસી)ના અધ્યક્ષ બનનારા એસ. નિજાલિંગપ્પા પછી કર્ણાટકના બીજા નેતા હશે. તેઓ જીત્યા પછી જગજીવન રામ પછી આ પદ પર બેસનારા બીજા દલિત નેતા હશે. ખડગે 50 વર્ષ કરતાં વધુ સમયથી રાજકારણમાં એક્ટિવ છે.