કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ૫ માં નોરતે જિલ્લા કલેકટર યોગેશ નીર્ગુડેનાં અધ્યક્ષ સ્થાને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયેલ જેમાં તેમણે કહ્યું હતું કે સંસ્થા દ્વારા વિકલાંગો પ્રત્યે સમાજમાં સમભાવ જાગે અને સંવેદનશીલતા કેળવાય તેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે સંવેદના સોસાયટી ધરાવતી વિવિધ સંસ્થાઓને અહી નિમંત્રિત કરી પ્રજ્ઞાચક્ષુઓનાં ઉત્તમ સામાજીકરણનો પ્રયાસ થયો છે. સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે જીલ્લાની ૧૨૦૦થી વધુ શાળા-કોલેજાેમાં સંસ્થા દ્વારા સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. જેમાં ૭ વિદ્યાર્થી, ૨ શિક્ષક અને ૧ આચાર્યનો સમાવેશ કરવામાં આવે છે. વિકલાંગો પ્રત્યે સમાજ સંવેદનશીલ બને તેવા હેતુથી રચવામાં આવેલ આ સોસાયટી જનજાગૃતિ અને વિકલાંગોનાં પુનઃસ્થાપનનાં કાર્યમાં મહત્વનું યોગદાન આપશે. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત મહેશભાઈ પાઠકે કર્યું હતું. જ્યારે જીતુભાઈ ઉપાધ્યાયે પ્રેરક વક્તવ્ય આપી નેત્રહીન ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રેઝરર પંકજભાઈ એન.ત્રિવેદી, સંસ્થાનાં કર્મવીરોએ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.