આરબીઆઈએ મોનિટરી પોલિસી રિપોર્ટમાં કહ્યું કે યોગ્ય ચોમાસું અને વૈશ્વિક સપ્લાય ચેન ફરી શરું થતાં ભારતમાં મોંઘવારી ઘટશે જોકે આ માટે સામાન્ય માણસે હજુ 1થી વધુ વર્ષ માટે રાહ જોવી પડી શકે છે. એટલે કેઆ વર્ષે દીવાળી સહિતના તહેવારો મોંઘવારી વચ્ચે પિસાતા કાઢવા પડી શકે છે.
સતત ઊંચો ફુગાવો ચાલુ રહેવો એટલે કે મોંઘવારી સતત ઊંચા સ્તરે રહેવી તે ભારતીય રિઝર્વ બેંક (RBI) માટે એક મહત્વપૂર્ણ નીતિ વિષયક ચિંતા છે, પરંતુ પૂરતા વરસાદ અને વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યાઓઓ હળવી થવાને કારણે આગામી નાણાકીય વર્ષ 2023-24માં દબાણ હળવું થવાની સંભાવના છે. આરબીઆઈના એક રિપોર્ટમાં આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આરબીઆઈના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2023થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષમાં રિટેલ મોંઘવારી નિયંત્રણમાં આવશે અને તેનું સ્તર 5.2 ટકા રહેવાની આશા છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં તે 6.7 ટકા રહેવાનો અંદાજ છે.
‘મોનેટરી પોલિસી રિપોર્ટ સપ્ટેમ્બર 2022’માં RBIએ જણાવ્યું હતું કે, “સારું ચોમાસું, સપ્લાય ચેનમાં સતત વિક્ષેપો દૂર થવા અને અન્ય કોઈ બાહ્ય કે નીતિગત આંચકા ન લાગે તેવા સંજોગોમાં નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવો સરેરાશ 5.2 ટકા રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.”
એપ્રિલમાં ફુગાવો 7.8 ટકાના ઓલ ટાઈમ હાઈ પર
જાન્યુઆરી 2022 થી મોંઘવારીનું સ્તર આરબીઆઈની સંતોષકારક ઉપલી મર્યાદા (6 ટકા)થી ઉપર રહ્યું છે. એપ્રિલમાં ફુગાવો 7.8 ટકાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો, જો કે તે પછીથી ઘટવાનું શરૂ થયું હતું, તેમ છતાં તે અસ્વીકાર્ય ઉચ્ચ સ્તરથી ઘણો ઉપર રહે છે.