રશિયાએ તેલ ઉત્પાદક દેશ ઓપેક સાથે મળીને મોટો ખેલ કર્યો છે. ઓપેક + નામથી પ્રસિદ્ધ આ સંગઠને તેલ ઉત્પાદનમાં કાપનું એલાન કર્યું છે. આવામાં પહેલાથી જ ઓછા ઉત્પાદનને કારણે ચરમ સીમા પર પહોંચેલી તેલની કિંમતોમાં વધારાનું અનુમાન છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશો પહેલાથી જ ઓપેક દેશો સાથે તેલના ઉત્પાદનને વધારવાની વિનંતી કરતાં હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તો આ માટે સાઉદી અરબની યાત્રા પણ કરી હતી. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને લઈને બાઈડન શરૂઆતથી જ કડક વલણ વ્યક્ત કરતાં આવ્યા છે, પણ મજબૂરી આવી તો તેમની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવી પડી. જોકે, બાઈડનની આ યાત્રા વ્યર્થ રહી અને સાઉદીએ તેલ ઉત્પાદન વધારવાની મનાઈ કરી દીધી.
હવે તેલ ઉત્પાદનમાં કાપ કર્યા બાદ ઓપેકના વાસ્તવિક નેતા સાઉદી અરબે સ્પષ્ટતા આપી છે. સાઉદી અરબે કહી દીધું છે કે ઉત્પાદનમાં 20 લાખ બેરલ પ્રતિ દિવસનો કાપ પશ્ચિમમાં વધતાં વ્યાજ દરો અને નબળી વૈશ્વિક અર્થવ્યવસ્થાને જવાબ આપવા માટે જરૂરી હતો. આ કાપ વૈશ્વિક આપૂર્તિના 2 ટકા સમાન છે. સાઉદીએ તેલની કિંમતોમાં વધારા માટે ઓપેક+ સમૂહમાં સામેલ રશિયા સાથે મિલીભગતની અટકળોને નકારી દીધી છે. સાઉદીએ કહ્યું કે પશ્ચિમી દેશ ઓપેક + સમૂહની નિંદા ધનના અહંકારને કારણે કરે છે.
આ દરમિયાન વ્હાઇટ હાઉસે પણ ઓપેકના આ નિર્ણય પર નિવેદન જાહેર કર્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રમુખ જો બાઈડન નક્કી કરશે કે ભાવમાં ઘટાડો કરવા માટે બજારમાં વધુ સ્ટ્રેટજીક તેલના સ્ટોક છોડવા કે કેમ. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઓપેકના ઉત્પાદન ક્વોટામાં ઘટાડો કરવાના ટૂંકા દૃષ્ટિના નિર્ણયથી રાષ્ટ્રપતિ નિરાશ છે, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર (રશિયન પ્રમુખ વ્લાદિમીર) પુતિનના યુક્રેન પરના આક્રમણની નકારાત્મક અસરનો સામનો કરી રહ્યું છે.
અમેરિકા વિરુદ્ધ એક થયા સાઉદી અરબ અને રશિયા
જો બાઈડનનાં રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ અમેરિકા અને સાઉદી અરબના સંબંધોમાં તણાવ આવી ગયો છે. અમેરિકાએ હૂતી બળવાખોરોનો સામનો કરી રહેલા સાઉદી અરબને અધવચ્ચે જ છોડી દીધું હતું. આવામાં સાઉદી અરબે રશિયા સાથે નિકટતા વધારી છે. સાઉદી અરબે યુક્રેનના રશિયાની કાર્યવાહીની નિંદા કરી નથી, પણ દેશ તેલને લઈને વધારે નિકટ આવ્યા છે. સાઉદી અરેબિયા પણ તેના તેલમાંથી મહત્તમ આવક મેળવવા માંગે છે. સાથે જ રશિયા પણ ઈચ્છે છે કે સાઉદીને સાથે લઈને તે અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને નબળા બનાવી શકે.
ઓપેક દેશોએ અમેરિકાની માંગ નકારી દીધી
અમેરિકા ઈચ્છે છે કે સાઉદી અરબ સહિત ઓપેક દેશો તેલનું ઉત્પાદન વધારે, જેથી ભારત – ચાઈના જેવા વિકાસશીલ દેશો રશિયાની જગયાએ ખાડી દેશો પાસેથી ઓઇલ ખરીદી શકશે અને આ કારણે રશિયાની કમાણી અટકી જશે. ઓપેક દેશોએ અમેરિકાની આ માંગને નકારી દીધી છે અને આનો સીધો લાભ રાશિયાને થઈ રહ્યો છે.