નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા છેલ્લા નવ વર્ષથી દર વર્ષે નિમિત માત્ર ભાવથી સમાજના જુદા જુદા ધર્મ તથા જુદા જુદા વર્ગના બહેનોની કે જેઓ આર્થિક કારણોસર યાત્રામાં ન જઈ શકતા હોય તેવા વિધવા ત્યકતા કે ૩૫ વર્ષથી વધુ ઉંમરના ની, સંતાન દંપતી તથા મોટી ઉંમરના અપરણીત બહેનો માટે દર વર્ષે યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આ વર્ષે તારીખ ૬ ઓક્ટોબરના રોજ અયોધ્યા, બનારસ, કાશી વિશ્વનાથ, પ્રયાગરાજ ત્રિવેણી સંગમની અલૌકિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને આજે સંતો-મહંતો, મંત્રી સહિત રાજકીય આગેવાનો અને કલેક્ટર, કમિશનર, ડીઆરએમ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતેથી આયોજક બુધાભાઈ પટેલ અને યાત્રીકોને શુભેચ્છા આપી સ્પેશ્યલ ટ્રેનનુ પ્રસ્થાન કરાવાયુ હતુ.
બુધાભાઈ પટેલ દ્વારા દર વર્ષે સ્પેશ્યલ ટ્રેન મારફત ભાવનગરથી દેશના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કાઢવામાં આવે છે જેમાં કોઇ પણ જાતના નાતજાતના ભેદભાવ વિના જરૂરિયાત વાળા લોકોને યાત્રા કરાવાય છે. તેના ભાગરૂપે આ વર્ષે અયોધ્યા, બનારસ, પ્રયાગરાજની યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે સવારે ૯ કલાકે ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે નંદાલય હવેલીના પૂ.આનંદબાવા, મોંઘીબા જગ્યાના મહંત પૂ.જીણારામબાપુ, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, લીલા ગૃપના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, કમિશનર ઉપાધ્યાય, ડીઆરએમ મનોજ ગોયલ સહિત સંતો-મહંતો અને રાજકીય આગેવાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને અલૌકિક યાત્રા પ્રવાસના આયોજક બુધાભાઇ પટેલ તથા તમામ યાત્રીકોને સુખમયી યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. અયોધ્યા, બનારસ અને પ્રયાગરાજની આ અલૌકિક યાત્રામાં ૧૦૫૦ યાત્રીકો ઉપરાંત ૧૫૦ના સ્ટાફ સહિત ૧૨૦૦ લોકો સાથેની સ્પેશ્યલ ટ્રેન આજે સવારે ભાવનગર ટર્મિનસ રેલ્વે ખાતેથી રવાના થઇ હતી. જે સાત દિવસનો પ્રવાસ કરી પરત ફરશે.