ભાવનગર ખાતે બનાવવામાં આવનાર નવા ડિસ્ટ્રીક્ટ અને સેસન્સ કોર્ટ બિલ્ડીંગનો ભૂમિપૂજન સમારોહ આજે ભારત સરકારના લો એન્ડ જસ્ટીસ મંત્રી કિરેન રીજીજુના હસ્તે રાજ્યના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સિદસર રોડ ખાતે યોજવામાં આવ્યો હતો.
ભાવનગરમાં હાલમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ હાઇકોર્ટ રોડ પર આવેલું છે જે ગીચ વિસ્તાર હોય અને વકીલો, અરજદારો સહિતને ટ્રાફીકમાં અડચણરૂપ હોય કોર્ટ બિલ્ડીંગ અન્ય સ્થળે ફેરવવા માંગણી કરવામાં આવેલી જેના ભાગરૂપે સરકાર દ્વારા સિદસર રોડ પર જ્ઞાનમંજરી એન્જિનીયરીંગ કોલેજમાં કોર્ટ બિલ્ડીંગ માટે જગ્યા ફાળવવામાં આવેલી જેમાં આજે નવા કોર્ટ બિલ્ડીંગનો ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય લો એન્ડ જસ્ટીસ મંત્રી કિરેન રીજીજુની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ જેમાં તેમના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ, રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મેયર કિર્તીબેન દાણીધારીયા, સ્ટે.કમિટી ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, ભારત સરકારના જાેઇન્ટ સેક્રેટરી જી.આર. રાઘવેન્દ્ર, ગુજરાત સરકારના લો સેક્રેટરી પી.એમ. રાવલ, ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એલ.એસ. પીરઝાદા, મ્યુ. કમિશનર એન.વી. ઉપાધ્યાય, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ ધર્મેન્દ્ર ડાભી, ભાવનગર બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ ત્રિવેદી, ભાવનગર એમ.એ.સી.ટી. બાર એસો.ના પ્રમુખ એમ.ડી. ત્રિવેદી સહિત જિલ્લાના વિવિધ એસોસીએશનના વકીલો, આમંત્રીતો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યાં હતાં અને ભાવનગરમાં નવા કોર્ટ બિલ્ડીંગ બનવાથી ટ્રાફીક સહિતના પ્રશ્નોનો ઉકેલ આવશે તેમ જણાવેલ.