ભાવનગર તળાજા નેશનલ હાઇવે પર આજે શુક્રવારે સાંજના સુમારે ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં ભાવનગરના બે યુવાનો બોલેરો કારમાં જ ફસાઈ ગયા હતા અને લગભગ એક કલાકથી વધુ સમય તેઓ ફસાયેલા રહ્યા હતા. ધોધમાર વરસાદ અને રાત્રિનો સમય હોવાથી કોઈ વાહન ચાલક પણ ઉભું રહેતું ન હતું, આખરે 108 એમન્યુલન્સ દોડી જતા સંજીવની સાબીત થઇ હતી. બંને યુવાનોને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર ભાવ.તળાજા નેશનલ હાઇવે પર આજે શુક્રવારે સાંજના સુમારે 7.45કલાકે 108 એમબ્યુંલન્સ સેવાને ફોન આવેલ કે કોબડી ટોલનાકાથી લગભગ દોઢ કી.મી.દૂર અકસ્માત થયો છે અને બોલેરો કારમાં બે વ્યક્તિ ખરાબ રીતે ફસાઈ ગયા છે, આથી તણસા 108ના ઈએમટી મહેશ બાંભણીયા અને પાયલોટ ઉગાભાઈ કામળિયા દોડી ગયેલ. દરમિયાનમાં ફોન કરનાર વ્યક્તિ ત્યાંથી નીકળી ગયેલ આથી 108ના સ્ટાફે રસ્તા પર તપાસ કરતા એક બોલેરો કાર નં. GJ 04AW 0389 બિનવારસી પડી હોય તેમા તપાસ કરતા ભાવનગરના બે યુવાનો રાહુલ બેચરભાઈ સોલંકી ( ઉં.વ.35) અને નિલેશભાઈ રાજુભાઈ રાઠોડ (ઉ.વ 37 ) હોવાનું ખુલ્યું હતું.
બંને યુવાનો બોલેરો કારમાં ફસાયેલા હોવાથી 108ના સ્ટાફે વાહન ચાલકોને ઊભા રાખી મદદ મેળવી સાધનો વડે કાટમાળ તોડી બંન્નેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. ભારે વરસાદ વચ્ચે બંને યુવાનો કણસતા રહ્યા હતા પરંતુ હાઇવે પર અંધકાર અને વરસાદના કારણે કોઈ મદદે આવ્યું ન હતું. વધુમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બોલેરોનો અકસ્માત અન્ય વાહન સાથે થયો કે અન્ય કોઈ સાથે અથડાઈ તે સ્પષ્ટ થયું નથી.