‘આવી આસો માસની રઢિયાળી રાત…’ શરદપૂનમ એટલે તન,મન અને શરીરને ઉર્જાથી ભરપૂર કરવાનું પર્વ.આસો માસની નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવ્યા બાદ રવિવારે શરદ ઋતુની મહત્તાને ઉજાગર કરતા શરદપૂર્ણિમા પર્વની રંગેચંગે ઉજવણી થશે. શરદપૂર્ણિમાની ચાંદની રાત્રે ભાવનગરીઓ ઊંધિયું,પુરી, દહીવડા અને ગુલાબ જાંબુ આરોગી મોડી રાત સુધી બોરતળાવ સહિતના સ્થળોએ મહાલશે.
રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં શરદપુનમની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. ખાનપાન માટે જાણીતા ભાવનગરીઓ શરદપૂર્ણિમાની ચમકતી રાત્રે ઊંધિયું,પુરી, દહીવડાની સાથોસાથ ગુલાબ જાંબુ સહિતના વ્યંજનો આરોગશે, તો સાથોસાથ પૂનમની ચાંદનીમાં ઠારેલા ખડી સાકર મિશ્ર કરેલા દુધપૌઆની મજા લેશે.
શરદપુનમની રાત્રીએ હરવાફરવાનું પણ ચલણ હોય લોકો બોરતળાવ, બાગબગીચા તેમજ ભાવનગર નજીકના ઘોઘા, કોળિયાક સહિતના દરિયા કિનારે ઉમટી પડશે,ભાવનગર નજીક આવેલા ફાર્મહાઉસમાં પણ પાર્ટી માટે લોકો દોડી જશે.
ભાવનગર શહેરમાં રવિવારે સવારથી જ ફરસાણ અને મીઠાઈની દુકાને ઊંધિયું ખરીદવા માટે લોકોની ભીડ જામશે.શરદપૂનમને અનુલક્ષીને મીઠાઈ, ફરસાણવાળાઓએ પણ આગોતરી તૈયારી કરી લીધી છે.