ગુજરાતમાં વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કે બીજા કોઇ રાજકીય મેળા. લોક મેદની એકત્ર કરવા સરકારી એસ.ટી. બસનો ઉપયોગ થઇ રહ્યો છે. જ્યારે જ્યારે મોટા કાર્યક્રમો હોય છે ત્યારે મોટી સંખ્યામાં બસો ફાળવી દેવાતા રોજીંદા મુસાફરો રઝળી પડે છે અને ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બને છે. આજે જામનગરમાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાવનગર ડિવીઝનના ૮ ડેપોમાંથી ૧૧૦ બસ ફાળવી દેવાઇ છે જેના કારણે ગ્રામ્ય પંથકને જાેડતા અનેક લોકલ રૂટ પ્રભાવિત થયા છે.
જામનગરના કાર્યક્રમમાં લોકમેદની એકત્ર કરવા ભાવનગર એસ.ટી. ડિવીઝન પાસેથી ૩૩૩ પૈકીની ૧૧૦ બસ ફાળવવા સુચના આવતા ગઇકાલે સાંજથી જ બસોને જામનગર રવાના કરાઇ છે જે આવતીકાલે વહેલી સવારે ભાવનગર ડિવીઝનમાં પુનઃ કાર્યરત થશે તેમ જાણવા મળ્યું છે. મોટી સંખ્યામાં એસ.ટી.ની બસો ફાળવી દેવાતા ગઇકાલે સાંજે અને આજે દિવસભર લોકલ રૂટના મુસાફરો બસની રાહ જાેતા જ રહી ગયા હતાં !