PM મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે જામકંડોરણામાં જનસભાને સંબોધ્યા બાદ તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
PM મોદીએ જામકંડોરણામાં જાહેર જનસભાને સંબોધતા કહ્યું કે, ‘હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું. પહેલાં કોઇએ કર્યા નથી. જ્યારે આ ક્ષેત્રમાં હું આવું ત્યારે મારા વિઠ્ઠલભાઇ રાદડિયાની મને યાદ જરૂર આવે. આજે દેશના બે મહાન મહાપુરૂષોની જયંતિ છે કે જેમને દેશની રાજનીતિ બદલી એવું જ નહીં પણ દેશની યુવાપેઢીમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. આ બે એવાં મહાન સપૂતો છે કે જેમણે આજે આ દેશે ભારતરત્નથી સમ્માનિત કર્યા છે. એક આપણા જયપ્રકાશ નારાયણ અને બીજા આપણા નારાયણ દેશમુખ.’
PM મોદીએ કહ્યું ‘ઘરમાં નળ હોય, નળમાં પાણી આવે, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને ખાતી વખતે વિજળી આવે એવી લોકો પહેલાં અપેક્ષા કરતા હતા. એવાં અનેક લોકો હશે, રાજકોટની અંદર આજે ટ્રેન આવશે, પાણી લઇ આવશે, બે ડોલ પાણી મને મળી જશે એની રાહ જોઇને અડધો-અડધો દિવસ લાઇનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. એક સમયે પાણી માટે લોકો વલખાં મારતા હતા. રાજકોટમાં દરેક ઘરની બહાર એક કુંડી બનાવી હોય અને નીચેથી નળના ટપક-ટપક પાણી ભરીને ઘરમાં લોકો દહાડા કાઢતા.