ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એવામાં આજથી ગુજરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બહુચરાજીથી યાત્રાનો પ્રારંભ કરાવશે.
ભાજપે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોને ખૂંદી વળવા માટેનું આયોજન કરી દીધું છે. ત્યારે ગુજરાતમાં આજથી ભાજપની ગુજરાતની ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બહુચરાજીથી માતાનાં મઢ સુધી ગૌરવ યાત્રા નીકાળશે. આ યાત્રામાં ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ પણ સામેલ થશે. 9 દિવસ ચાલનારી આ યાત્રામાં 9 વિધાનસભામાં જાહેરસભા યોજાશે.
પાર્ટીના નેતાઓના કહેવા મુજબ, પ્રથમ બે યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. આ બંને યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી નીકળીને સોમનાથ સુધી જશે. જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સુધી જશે. જ્યારે પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી સુધી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરના ભૂતકાળમાં અનેક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓએ ગુજરાતમાં કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે પક્ષ આ પ્રવાસ દરમ્યાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે.