ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે. આ પહેલાં જ બુધવારે રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં સિનિયર IPSની બદલી માટેનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ કોઈપણ સમયે બદલીનો ઓર્ડર થઈ શકે છે.
ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા માટે સરકારી કર્મચારીઓની નિયમ પ્રમાણે બદલી થવી અનિવાર્ય છે.જેના કારણે 23 IASની બદલી કરી દેવામાં આવી છે અને હવે સિનિયર આઇપીએસ અધિકારીની કોઈ પણ સમયે બદલી થશે તેમ નક્કી થઈ ગયું છે. સિનિયર IPS અધિકારીમાં IG, ADDGP સહિતના અધિકારીઓની બદલી થઈ શકે છે. સરકારમાં પણ ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે. જેમાં નિયમ પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીને બદલી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. તાજેતરમાં કરવામાં આવેલી 23 IASની બદલી પણ આ પ્રક્રિયાના લીધે કરવામાં આવી છે.
દિલ્હીથી ગુજરાત આવનારા નેતાઓની અવરજવરને કારણે IPS અધિકારીઓની બદલી અટકી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હવે ગમે ત્યારે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. હવે IPS અધિકારીઓમાં જેમની બદલી કરવાની છે તેમનું લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાની વિગતો જાણવા મળી છે. IPS અધિકારીઓની બદલી ઘણા સમયથી ટલ્લે ચડી રહી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યની મહત્વની રેન્જમાંથી IG તેમજ એડિશનલ DG અને ક્યાંક પોલીસ કમિશનર કક્ષાના અધિકારીની પણ બદલી કરવામાં આવે તેવું હાલ જાણવા મળ્યું છે.