વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળેલી, જેમાં કેન્દ્રીય કેબિનેટએ નિર્ણય લઈ રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP મોડલ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો વિકસિત કરવા મંજૂરી આપી છે. આ અંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, મોદીજીના નેતૃત્વમાં કેબિનેટે ગુજરાતના તૂણા-ટેકરા, દીનદયાળ પોર્ટ ખાતે PPP મોડ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને કાર્ગો વિકસિત કરવા મંજૂરી આપી છે. ઉત્તર ભારતમાં માલસામાનના પરિવહનની જરૂરિયાતની પરિપૂર્ણતા સાથે આનાથી કંડલાની વ્યવસાય ક્ષમતામાં વધારો થશે અને રોજગારી પણ વધશે.
આ અંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ લખ્યું કે, ગુજરાતના કંડલામાં દીનદયાળ પોર્ટના વિસ્તરણને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર. આનાથી ગુજરાત સાથે દેશના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ મળશે. લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે અને વેપારને વેગ મળશે.