કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેંકના અથાગ પ્રયાસો છતાં મોંઘવારી કાબુમાં આવતી નથી અને સતત 9મા મહિને ફુગાવો ‘સંતોષકારક ઝોન’ કરતા ઉંચા સ્તરે આવ્યો છે ત્યારે પ્રથમ વખત સરકાર આકરો મિજાજ દર્શાવીને નિષ્ફળતા પાછળના કારણો દર્શાવતો રીપોર્ટ માંગ્યો છે. મોંઘવારી સંતોષકારક સ્તરે કેમ નથી આવી શકતી અને તેને કાબુમાં લેવા કેવા પગલા લેવામાં આવી રહ્યા છે? તે વિશે જવાબ માંગવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, 2016માં ધિરાણનીતિ સમીક્ષાનો કોન્સેપ્ટ લાગુ થયા બાદ કેન્દ્ર સરકારે પ્રથમ વખત રિઝર્વ બેંક પાસે રીપોર્ટ માંગ્યો છે. કેન્દ્રના આંકડા મંત્રાલયના રીપોર્ટ મુજબ ઓગષ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં માત્ર છ ચીજોના ભાવ નીચા આવ્યા છે. મોંઘવારીનો દર ચાર ટકા રાખવાનો ટારગેટ છે અને તેમાં બે ટકાની વધઘટની છુટ્ટ છે પરંતુ ગઈકાલે જાહેર થયેલો ફુગાવો 7.41 ટકા રહ્યો હતો જે સતત પાંચમા મહિને સંતોષજનક ઝોનથી ઉંચો રહ્યો હતો.
નિયત નિયમો અંતર્ગત સતત ત્રણ મહિના ફુગાવો સંતોષકારક ઝોનથી ઉંચો રહે અને નાણાં નીતિના નિર્ધારિત લક્ષ્યાંક પરિપૂર્ણ ન થાય તો રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને રીપોર્ટ આપવો પડે છે. સપ્ટેમ્બર મહિનાનો ફુગાવો 7.41 ટકા રહ્યો હતો. એપ્રિલ બાદ સતત પાંચમા મહીને ઉંચા સ્તરે હતો જયારે 9મા મહિને 6 ટકાથી ઉંચો રહ્યો હતો. ગત વર્ષના સપ્ટેમ્બરમાં ફુગાવો 4.35 ટકા હતો. મોંઘવારી ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો હોવાને કારણે અર્થતંત્ર યોગ્ય ન હોવાનું માલુમ પડી રહ્યું છે. ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 0.8 ટકાનો ઘટાડો થયો છે. અને 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. આ પૂર્વે ફેબ્રુઆરી 2021માં 3.2 ટકા ઘટ્યું હતું. એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં 7.7 ટકાની વૃધ્ધિ થઇ છે છતાં ગત વર્ષનાં સમાન સમયગાળામાં આ વૃધ્ધિદર 29 ટકા હતો.
ખાદ્યચીજોનો ફુગાવો 8.60 ટકાએ પહોંચ્યો જે ઓગષ્ટમાં 7.65 ટકા હતો
સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યચીજોનો ફુગાવો 8.60 ટકાએ પહોંચ્યો છે જે ઓગષ્ટમાં 7.65 ટકા હતો. છ ચીજોને બાદ કરતા અન્ય તમામ ચીજોમાં તેજી જોવા મળી હતી. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસના કહેવા પ્રમાણે નજીકના ભવિષ્યમાં મોંઘવારી કાબુમાં આવવાની શકયતા ઓછી છે. કારણ કે ખરીફ ઉત્પાદનમાં કાપ છે. ચોખા, દાળ જેવી ચીજોનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. આંકડાકીય રીપોર્ટ પ્રમાણે પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશમાં રીટેઇલ મોંઘવારી સૌથી વધુ રહી હતી. 8.06થી 9.44 ટકા હતી જ્યારે દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઓડિસા, કર્ણાટક, તથા બિહારમાં 4.03થી 6.38 ટકાના દરે મોંઘવારી પ્રમાણમાં ઓછી હતી.