ગુજરાતમાં વૃદ્ધોને સારવાર માટે કોઈ જ પ્રકારની અગવડ ન પડે તે માટે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સિનિયર સિટીઝનો માટે અલગથી કેસબારી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વૃદ્ધ દર્દીઓને રઝળપાટ ન થાય તે માટે અલગ-અલગ પગલાંઓ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવો જ એક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે પ્રમાણે હવેથી 60 વર્ષથી ઉંપરના વૃદ્ધોએ ટેસ્ટીંગ સેમ્પલ આપવા માટે લેબોરેટરી સુધી લાંબું થવું નહીં પડે અને તેઓ પોતાનું સેમ્પલ ઘરબેઠા જ આપી શકશે.
આ સુવિધા માટે સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે રાજ્યમાં ટેલીમેડિસીન -કન્સલટેશન અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને ઘેરબેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શન યોજનાના અમલીકરણ માટે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. વૃદ્ધ દર્દીઓના ઘરઆંગણે લેબોરેટરી ટેસ્ટ થઈ શકે અને તેઓને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી ન પડે તે માટે સરકાર દ્વારા ‘ડૉર સ્ટેપ સેમ્પલ કલેક્શન’ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાનો લાભ વરિષ્ઠ નાગરિક ટેલીકમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી ઝડપી નિદાન સાથે લઈ શકાશે.
આ યોજનાનો હેતુ 60 વર્ષથી વધુ ઉમરના દર્દીઓને લેબોરેટરી તપાસની સેવાઓ તેઓના ઘેરથી જ પૂરી પાડવી તેમજ ઝડપી નિદાન કરવું ઉપરાંત કોમ્પ્લીકેશન અટકાવવું અને હોસ્પિટલાઈઝેશન ઘટાડવાનો છે. આ ઉપરાંત વયોવૃદ્ધ દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મેળવવું સરળ બને તે પણ જરૂરી બની જાય છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ મેળવી શકશે જેમણે ટેલીમેડિસીન મારફતે સેવા લીધી છે અને તે દરમિયાન તબીબે તેમને લેબોરેટરી ટેસ્ટ માટે સલાહ આપેલી છે.
આ યોજનાનો અમલ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. નવી શરૂ કરવામાં આવેલી આ સેવાથી દર્દીઓને ટેલીકન્સલ્ટેશન અંતર્ગત લેબોરેટરી સેવાઓ સીધા તેમના ઘેરથી જ મળી રહેશે. આ ઉપરાંત દર્દીના ઘરેથી જ લોહી-પેશાબ-ગળફાના સેમ્પલ લઈને લેબોરેટરી પર ટેસ્ટીંગ માટે મોકલવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટને દર્દીની સારવાર આપતાં ડૉક્ટર સુધી પહોંચાડવાનું પણ કામ કરશે.