LoC પર પાકિસ્તાનની ઘુસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવાયો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ શુક્રવારે અજનાલા સબ-ડિવિઝન હેઠળના રામસાસ ગામ નજીક એક ડ્રોનને તોડી પાડ્યું. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. જેવો ડ્રોનનો અવાજ સંભળાયો કે તરત જ જવાનો એક્શનમાં આવી ગયા હતા. આ પછી કાર્યવાહી કરતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.
ગુરદાસપુર રેન્જના ડીઆઈજી પ્રભાકર જોશીએ જણાવ્યું કે, શાહપુર બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી)ની નજીક તૈનાત 73 બટાલિયનના જવાનોએ ડ્રોનનો અવાજ સંભળાતા જ નિપુણતા બતાવી અને ફાયરિંગ કૌશલ્ય અને સાહસનો પરિચય આપ્યો. ભારતીય ક્ષેત્રમાં ઘુસ્યા બાદ તરત જ ડ્રોનને નષ્ટ કરી દેવાયું હતું. સૈનિકોએ તેના પર 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
તેમણે કહ્યું કે, ‘ડ્રોન પાકિસ્તાનની દેવરી ફોરવર્ડ પોસ્ટ દ્વારા ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. જે વિસ્તારમાં ડ્રોન મોકલવામાં આવ્યું હતું, તે વિસ્તાર ગીચ જંગલવાળો છે. ડ્રોનને શેરડીના ખેતરમાં તોડી પાડવામાં આવ્યું. જે બાદ તપાસ કરતા ડ્રોન પર એક દોરી લગાવેલી જોવા મળી. હાલ આ વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.’