આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં જીત મેળવવા ભાવનગરની બેઠક સોફ્ટ ટાર્ગેટ હોય તેમ અરવિંદ કેજરીવાલ સહિતની આપની રાજ્ય અને રાષ્ટ્રીય નેતાગીરીએ ભાવનગર પર ફોકસ કર્યું છે. આપના સુપ્રીમો ખુદ બે વખત ભાવનગરની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યાં કાલે ત્રીજી વખત તેઓ ભાવનગરના પ્રવાસે છે. આ વખતે જાહેર સભા કરશે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહેશે. ત્યારે દિલ્હી અને પંજાબ રાજ્યના આપ સરકારના ગુણગાન પણ ગવાશે.!
ભાજપ કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો માટે ભાવનગર મુખ્ય કેન્દ્ર બન્યું હોય તેમ રાજકીય પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ વારંવાર ભાવનગરમાં પડાવ નાખી રહ્યા છે. ભાવનગરમાં કાલે ત્રીજીવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે અને જાહેર સભા સંબોધશે.
વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર હોટ ફેવરિટ હોય તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાવનગર પર દૃષ્ટિ કેન્દ્રિત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લઠ્ઠાકાંડ સમયે દોડી આવ્યા બાદ યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજયો હતો. અને હવે તા. ૧૬ને રવિવારે શહેરના ચિત્ર સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં બપોરે ૨ કલાકે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધશે.
આ જાહેર સભામાં ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાંથી પણ લોકોને ઉપસ્થિત રાખવા આમ આદમી પાર્ટીનું સંગઠન કામે લાગ્યું છે અને ૧૦હજારથી વધુ લોકોને એકત્ર કરવાનો લક્ષ્યાંક હોવાનું જાણવા મળ્યું છે.