કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 137 વર્ષના ઈતિહાસમાં આજે છઠ્ઠી વખત પાર્ટીના અધ્યક્ષ પદ માટે જોરદાર મુકાબલો થવા જઇ રહ્યો છે.આ જંગમાં બે દાવેદાર શશિ થરૂર અને બીજા છે મલ્લિકાર્જુન ખડગે છે.
ગાંધી પરિવાર સાથેના ગાઢ સંબંધોના કારણે ખડગેને પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. મોટાભાગના નેતાઓ પણ તેમના સમર્થનમાં છે. ભલે ચૂંટણી પ્રચાર દરમ્યાન શશિ થરૂરે સમાન તકો ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હોય પરંતુ બંને ઉમેદવારો અને પક્ષના નેતાઓ એ વાત પર સહમત જરૂરથી થયા છે કે આ ચૂંટણીને લઈને ગાંધી પરિવાર તટસ્થ અને નિષ્પક્ષ છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીને લઇ તમામ રાજ્યના કોંગ્રેસ કાર્યાલય પર બેલેટ પેપરથી મતદાન થશે. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું છે. સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. ગુજરાતમાં કોંગ્રેસના કુલ 408 મતદારો નોંધાયેલા છે. અધ્યક્ષ પદ માટેની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સામેલ છે. જેમાંથી કોઈ એક ટૂંક સમયમાં ચૂંટણીના માધ્યમથી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.
ગુજરાતના ચૂંટણી PRO શોભા ઓઝાએ મતદાન પ્રક્રિયા અંગે જણાવતા કહ્યું કે, ‘મતદારોનું મત સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. 19 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.’ પાર્ટીના આ ઉચ્ચ પદ માટે છેલ્લી ચૂંટણી લડાઈ વર્ષ 2000માં થઇ હતી કે જ્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધીના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઇએ કે, અધ્યક્ષ પદ માટે અગાઉ 1939, 1950, 1977, 1997 અને 2000માં ચૂંટણી યોજાઈ હતી.
કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, તમામ રાજ્યોના પ્રતિનિધિઓ પોતપોતાના મતદાન મથકો પર ‘ટિક’ ચિન્હ સાથે મતદાન કરશે જે ઉમેદવારને તેઓ સમર્થન આપે છે. મતદાન બાદ મતપેટીઓને ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં સીલ કરવામાં આવશે અને ત્યાર બાદ સંબંધિત રાજ્યોના રિટર્નિંગ ઓફિસર આ બોક્સ લઈને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય પહોંચશે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેનું ચૂંટણી પરિણામ 19મી ઓક્ટોબરે આવશે. કારણ કે આ દિવસે મત ગણતરી યોજાશે. મતગણતરી પહેલા ઉમેદવારોની હાજરીમાં બેલેટ બોક્સના સીલ ખોલવામાં આવશે અને તમામ બેલેટ પેપરનું મિશ્રણ કરવામાં આવશે. કોંગ્રેસ મુખ્યાલયમાં જ એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં મતપેટીઓ રાખવામાં આવશે.