નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશભરમાં આતંકવાદી કનેક્શનને લઈને ઘણા ગેંગસ્ટરોના ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. તપાસ એજન્સીએ એક સાથે 40 સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. વાસ્તવમાં NIA ભારત અને વિદેશમાં સ્થિત આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ તસ્કરો વચ્ચે વધતી જતી સાંઠગાંઠને ખતમ કરવા માટે પંજાબથી લઈને હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીના દરોડામાં ઘણા હથિયારો મળી આવ્યા છે. ગયા અઠવાડિયે NIAએ જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને રાજૌરી જિલ્લામાં દરોડા પાડ્યા હતા. NIAના આ દરોડા પણ આતંકવાદ સંબંધિત મામલાઓ સાથે જોડાયેલા હતા. ડ્રોન ડિલિવરી કેસને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. NIA અનુસાર, ડ્રોન ડિલિવરી કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લા નવ મહિનામાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી 191 ડ્રોન આવ્યા છે. દેશની આંતરિક સુરક્ષાને લઈને આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. આ પહેલા ટેરર ફંડિંગને લઈને પણ NIA કાર્યવાહી કરતી જોવા મળી હતી.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ગત 27 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીઓએ અલગ-અલગ જગ્યાએથી કુલ 13 સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં આસામમાંથી 7 અને કર્ણાટકમાંથી 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં NIAએ PFI સભ્ય શફીક પૃથની કેરળમાંથી ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નિશાના પર હતી.