PM મોદીએ ગાંધીનગર ખાતે DefExpo22ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, ‘મને આનંદ છે કે જ્યારે ભારત નવા ભવિષ્યનું સર્જન કરી રહ્યું છે ત્યારે ભારતના મિત્ર એવા 53 આફ્રિકન રાષ્ટ્રો અમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે.’
મોદીએ કહ્યું કે, ‘DefExpo2022 એ નવા ભારતનું ભવ્ય ચિત્ર પ્રદર્શિત કરી રહ્યું છે, જેની માટેનો ઠરાવ અમૃત કાળ દરમિયાન અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રનો વિકાસ, રાજ્યોની ભાગીદારી, યુવા શક્તિ, યુવા સપના, યુવા હિંમત અને યુવાનોની ક્ષમતાઓ છે.’
ગાંધીનગરના ડિફેન્સ એક્સપોના આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સંબોધન કરતા કહ્યું કે, ‘ભારતને આત્મનિર્મર બનાવવાનું PMનું વિઝન છે. ડિફેન્સ એક્સ્પો આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું પ્રતિક છે. આપણી પાસે મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ છે જે ઈન્વેસ્ટ કરી રહ્યાં છે. MSME સ્પેશિયલ ઈન્સેન્ટીવ આપવામાં આવી રહ્યાં છે DEFENCE EXPOમાં 10થી વધારે દેશના મંત્રીઓ સાથે અમે ચર્ચા કરી. 2 દિવસમાં 10 દેશોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ. ભારતની ડિફેન્સ ટેક્નોલોજીનું વિશ્વના અન્ય દેશોમાં સમ્માન છે.’
ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે, ‘ડિફેન્સ એક્સપો પોલિસીમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. CM તરીકે નરેન્દ્ર મોદીએ ડિફેન્સ ઈકો સિસ્ટમ માટે પ્રયાસ કર્યા હતા. ડિફેન્સ એક્સ્પોમાં યુવાનોને પ્રશિક્ષણ માટે પહેલ કરી હતી. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ગુજરાતના MSMEની ક્ષમતા બતાવવાનો અવસર એટલે ડિફેન્સ એક્સ્પો. ડ્રોન ટેક્નોલોજી માટે પણ પોલિસી જાહેર કરી છે. ગુજરાત છેલ્લા 20 વર્ષથી ફાસ્ટટ્રેક વિકાસના પથ પર છે. ડિફેન્સ એક્સપો થકી ગુજરાતમાં જોડાવવા આમંત્રણ છે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે PM મોદી ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી રાજકોટના અનેક નાગરિકોનું ઘરનું સપનું સાકાર થશે. આ ઉપરાંત રાજકોટમાં PM મોદી 2 રોડ શો કરશે. રાજકોટમાં શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ મેદાન ખાતે 2 અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. તો જૂનાગઢમાં પણ વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કરશે.