ઘોઘા તાલુકાના ખડસલીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાંથી એસ.ઓ.જી. ટીમે કપાસ અને બાજરીના વાવેતર વચ્ચે લીલા ગાંજાનું વાવેતર ઝડપી લઈ ૧૫૦ કિલો ગાંજાના છોડ,મોબાઈલ મળી કુલ રૂ.૭.૪૮ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ ઝડપાયેલ શખ્સ અને તેના ભાગીદાર વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ઘોઘા તાલુકાના ખડસલીયા ગામ,ભોળાવદર વાડી વિસ્તારમાં રહેતા ભોળાભાઈ ડાયાભાઇ ડાભી અને સરતાનપર ગામના ભગતભાઈ ગોવિંદભાઇ ચૌહાણે ભોળાભાઈની ચારણીયા સીમમાં આવેલ વાડીમાં કપાસ તથા બાજરીના વાવેતર વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેજા તથા સ્ટાફે સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળી વાડીમાં દરોડો પડતા વાડીમાં કપાસ અને બાજરીના વાવેતર વચ્ચે લીલા ગાંજાનું વાવેતર મળી આવતા વાડીમાં હાજર ભોળાભાઈ ડાયાભાઇ ડાભીની ધરપકડ કરી હતી.
એસ.ઓ.જી.ટીમે ૧૪૯.૫૬૬ કિલો ગાંજાના છોડવા,એક મોબાઈલ મળી કુલ રૂ.૭,૪૮,૩૩૦ નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(બી), ૮(સી), ૨૦ (એ) (આઈ), ૨૦(બી) અને ૨૯ મુજબ ગુનો દાખલ કરવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.