મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોથલ ખાતે બનનારા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ડ્રોન નિરીક્ષણ દ્વારા કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યાં હતાં તો કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી શ્રીપાદ નાઈક, દેવુસિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે,ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરીને ભારતની પુરાતન દરિયાઈ સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહર એવા લોથલના પુરાતન વૈભવને આ પ્રોજેક્ટ દ્વારા પુનર્જીવિત કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીએ ડ્રોનથી આ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે અને આ પ્રોજેકટ જે ઝડપથી આગળ વધી રહ્યો છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ભારત સમુદ્રી વિરાસતની ઐતિહાસિક અને મહાન ધરોહર ધરાવે છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા તો દક્ષિણમાં ચૌલ, ચેર અને પાંડય રાજવંશે સમુદ્ર શક્તિને વિસ્તારીત કરીને નવી ઊંચાઈ આપી હતી તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજે પણ તે સમયે સશક્ત નૌસેનાનું ગઠન કર્યું હતું. તેવાં ભારતીય સંકૃતિના ઇતિહાસને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. પરંતુ અમે આ ભવ્ય સામુદ્રિક વિરાસતને પુનઃસ્થાપિત કરવા માટે કટિબદ્ધ છીએ.
તેમણે હજારો વર્ષ જૂની પરંપરાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આપણે ત્યાં સિકોતર માતાને દરિયાઈ દેવી તરીકે પૂજવામાં આવતી હતી અને તેના પ્રમાણો એડન સુધી મળ્યા છે, તે દર્શાવે છે કે ખંભાતથી એડન સુધી ભારતીય વ્યાપાર થતો હતો. સુરેન્દ્રનગરના ઝીંઝૂવાડા ગામે પણ દીવાદાંડીના પ્રમાણો મળ્યાં છે. કચ્છમાં પણ મોટા જહાજો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો.તે દર્શાવે છે કે, સમગ્ર ગુજરાતમાં સમુદ્રી વ્યાપાર સમૃદ્ધ અને સંપન્ન હતો. પરંતુ ગુલામીની માનસિકતા અને ઉદાસીનતાએ તે માટે ઘણું બધું નુકસાન કર્યું છે.
છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં અનેક ધરોહરોને વિકસિત કરી છે. આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્ય અને રજવાડાઓનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. જેનાથી આપણી વિરાસત સાથે જોડાયેલી ભાવનાઓ પણ સુરક્ષિત બનાવી શકાશે અને આપણાં વડવાઓના તપ અને તપસ્યાને પણ પુનઃસ્થાપિત કરી શકાશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં હતાં. તેમાં એક સંકલ્પ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનો છે. જે આજે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના નિર્માણથી સાકાર થવા જઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હડપ્પા સંકૃતિના કેન્દ્ર એવાં લોથલના દ્વારેથી વિદેશ સાથે વ્યાપાર સબંધો ધરાવતું કેન્દ્ર હતું. હજારો વર્ષ જૂના ભારતીય સંકૃતિના મૂળ આ કેન્દ્ર સાથે જોડાયેલાં છે.
મુખ્યમંત્રીએ આ હેરિટેજ કોમ્પ્લેક્સને ઝડપથી સાકાર કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવી આ કેન્દ્રને જોડતો ફોરલેન રસ્તો બનાવવામાં આવશે આ ઉપરાંત ૬૬ કે.વી.નું સબસ્ટેશન પણ બનાવવામાં આવશે અને આ બધા દ્વારા પ્રાચીન વારસાનું પુનઃ ગૌરવ પ્રસ્થાપિત કરવામાં આવશે.