વિધાનસભાની ચૂંટણી ગમે તે દિવસે જાહેર થવામાં છે એ પૂર્વે વિકાસ કાર્યો મંજૂર કરી દઈ આચારસંહિતાનું ગ્રહણ ન લાગે તે માટે શાસકોએ સવાયા બની ફટાફટ વિકાસ કાર્યો હાથ પર લઈ મંજૂરીની મહોર લગાવી રહ્યા છે. ચાર દિવસ પહેલા જ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મુખ્ય ૩૦ કાર્યો ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ૩૦ કાર્યો મંજુર કર્યા હતા ત્યાં આગામી ૨૦મી ઓક્ટોબરના રોજ સ્ટેન્ડિંગ બોલાવી રૂ.૧૧.૨૯ કરોડના માત્ર રોડના જ કાર્યોને બહાલી અપાશે.
આમ, ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જેટલા શક્ય બને તેટલા વધુ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવાની દોડધામ કોર્પોરેશનમાં થઈ રહી છે. જાેકે, મંજૂરી મહોર મારવામાં જેટલી ઝડપ દખવાય છે તેટલી ઝડપે કાર્યો પૂર્ણ થતાં નથી ! વારંવાર વિકાસ કાર્યોમાં મુદત વધારવાના કરવામાં આવતા ર્નિણયો એ વાતની સાબિતી છે.
આગામી તારીખ ૨૦ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ફુલ ૨૯ કાર્યોનો ર્નિણય થવાનો છે તે પૈકી ૧૯ કાર્યો રોડ અને પેવિંગ બ્લોકના જ છે. કુંભારવાડા, બોરતળાવ, ઘોઘા સર્કલ, દક્ષિણ સરદાર નગર, હિલડ્રાઈવ, ચિત્રા ફુલસર, દક્ષિણ સરદાર નગર, તખ્તેશ્વર અને પિરછલ્લા સહિતના વિસ્તારોમાં કુલ રૂ.૧૧.૨૯ કરોડના રોડ, પેવિંગ બ્લોક, વાઈડનીંગ સહિતના ૧૯ કાર્યોને મંજૂરી અપાશે. તદુપરાંત લીઝ હોલ્ડ પ્લોટને ઉપયોગ ફેર કરવા અને લીઝ રિન્યું કરવા સહિતના ૨૯ કાર્યોનો ર્નિણય કરાશે.
કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે અધેવાડાના મંજૂર થયેલ ફોરલેનમાં હજુ ફિફા ખંડાય છે!!
ભાવનગરમાં ચૂંટણી પૂર્વે વિકાસની લોલીપોપ આપવા શાસકો જાણીતા છે, અગાઉ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે છેલ્લા દિવસોમાં શહેરના દુઃખીશ્યામબાપા સર્કલથી અધેવાડા સુધીનો રસ્તો ફોરલેન બનાવવા મંજુરીની મ્હોર લાગી હતી, એ વખતે અધેવાડા શહેરમાં હજુ ભળ્યું જ હતું. ચૂંટણીમાં શાસકોને ફોરલેન રોડના વાયદાએ ફાયદો કરાવ્યો હતો પરંતુ કોર્પોરેશનની અડધી ટર્મ પૂરી થઈ છતાં કોન્ટ્રાકટર પાસેથી કામ લેવામાં શાસકોના હાથ ધ્રુજી રહ્યા છે અને હવે આ ટેન્ડર રદ કરીને પણ એજન્સીએ ફાયદો થાય તેવી ગોઠવણ ચાલી રહી હોવાનું કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.