હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારોને ઊભા કરી દીધા છે. કોંગ્રેસે પહેલા 46 અને આજે 17 ઉમેદવારોનું બીજું લિસ્ટ બહાર પાડ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસે કુલ 63 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે 5ની જાહેરાત બાકી છે તે ગમે તે ઘડીએ થઈ શકે છે.
આ પહેલા 18 ઓકટોબરના રોજ હિમાચલ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પહેલ કરતા 46 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી . સીએમ જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે. ચેતરામ ઠાકુર હાલ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ છે. કોંગ્રેસ એક બેઠક છોડતા હાલના તમામ ધારાસભ્યોને રિપિટ કર્યાં છે.
હવે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 62 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે આજે સવારે જ બાકી 6 ઉમેદવારો સાથે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં પાર્ટીએ દહેરાથી રમેશ ધવલા, જ્વાલામુખીથી રવિન્દ્ર રવિ, કુલ્લુથી મહેશ્વર સિંહ, બરસરથી માયા દેવી, હરોલીથી રામકુમાર અને રામપુરથી કૌલ નેગીને મેદાનમાં ઉતાર્યા છે.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ 68 બેઠકો છે અને તમામ બેઠકો પર 12 નવેમ્બરે એક સાથે મતદાન થશે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતની ચૂંટણી રસપ્રદ બનવાની છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.