વિશ્વભરમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ અરબ સાગરમાં ગુજરાત અને પાકિસ્તાનની જળસીમાની નજીક પોતાની મહાવિનાશક પરમાણુ સબમરીનને તૈનાત કરી છે. એટલું જ નહીં, અમેરિકાએ પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઈલોને લઈ જવામાં સક્ષમ સબમરીન ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ને તૈનાત કરવાના સમાચારનું સાર્વજનિક રીતે એલાન પણ કર્યું છે. વિશ્લેષકોના મતે અમેરિકાનું આ એલાન પોતાનામાં ખૂબ જ દુર્લભ મામલો છે. અમેરિકા સામાન્ય રીતે પેટ્રોલિંગ દરમિયાન તેની પરમાણુ સબમરીનનું સ્થાન ક્યારેય જાહેર કરતું નથી. આ કારણોસર તેને ખૂબ જ અસામાન્ય ઘટના માનવામાં આવી રહી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, આ ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ પરમાણુ સબમરીન ઓહિયો ક્લાસની છે.
અમેરિકી સેનાના ટોચના અધિકારી માઈકલ કુરિલ્લાએ આ પરમાણુ સબમરીનના અરબી સમુદ્રમાં પહોંચવાની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, આ દર્શવે છે કે અરબી સમુદ્રમાં અમેરિકાની પાસે કેટલી મહાવિનાશક તાકાત છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાએ તેની ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ પરમાણુ સબમરીનને અરબ સાગરમાં મોકલીને માત્ર તેના રાજકીય વિરોધીઓ ઈરાન, રશિયા અને ચીનને જ નહીં પરંતુ અમેરિકાના મિત્રો અને ભાગીદારોને પણ સંદેશ આપ્યો છે. સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં એક અજ્ઞાત સ્થળે જનરલ કુરિલ્લાએ આ પરમાણુ સબમરીનનું સ્વાગત કર્યું. આ નિવેદનમાં એ નથી જણાવ્યું કે જનરલ કુરિલ્લા અને અન્ય સૈન્ય અધિકારી સબમરીનની અંદર ગયા હતા કે નહીં. જનરલ કુરિલ્લાએ કહ્યું કે, તેઓ આ સબમરીનના ક્રૂની ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થયા છે. સેન્ટ્રલ કમાન્ડનું નિવેદન દર્શાવે છે કે જાસૂસીનું જોખમ હોવા છતાં આ પરમાણુ સબમરીન સપાટી પર આવી હતી.
પરમાણુ બોમ્બથી સજ્જ સબમરીનને મોકલીને અમેરિકાએ એક તીરથી અનેક શિકાર કરવાના પ્રયાસો કર્યા છે. આ પરમાણુ સબમરીન એવા સમયે અરબી સમુદ્રમાં આવી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે રશિયાને હથિયારોની સપ્લાયને લઈને તણાવ ઘણો વધી ગયો છે. ઈરાન રશિયાને મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઈલોની સપ્લાઈ કરી રહ્યું છે. એટલું જ નહીં, અમેરિકાનું મિત્ર કહેવાતું સાઉદી અરેબિયા પણ રાષ્ટ્રપતિ બાઈડનને આંખો બતાવી રહ્યું છે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રશિયા સાથે તેલ કાપને લઈને હાથ મિલાવી ચૂક્યા છે. તો પરમાણુ શસ્ત્ર નિષ્ણાત હેન્સ ક્રિસ્ટનનું કહેવું છે કે અમેરિકાએ અરબી સમુદ્રમાં પરમાણુ મિસાઈલથી સજ્જ સબમરીન તૈનાત કરીને ચીની ડ્રેગનને કડક સંદેશ આપ્યો છે.