પાણીની અછત ભોગવી ચૂકેલા ગુજરાતના લોકો જેટલી ગહનતાથી સરદાર સરોવર નર્મદા ડેમની અગત્યતા જાણે છે, તેટલું કદાચ જ કોઈ જાણતું હશે. ગુજરાતની જેમ જ દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં પણ પીવાના તથા સિંચાઈના પાણીની અછત જોવા મળે છે. અને માટે જ આ રાજ્યમાં ખેતી અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન એક મેગા સિંચાઈ પ્રોજેક્ટની ખૂબ જ જરૂર હતી.
આપણે વાત કરીએ છીએ તેલંગણા રાજ્યના પાટનગર હૈદરાબાદથી ૨૭૫ કિલોમીટર દૂર આવેલ જયશંકર ભૂપાલપલ્લી વિસ્તારના કાલેશ્વરમ ખાતે ગોદાવરી નદી પર બની રહેલ બહુહેતુક સિંચાઈ પ્રોજેક્ટની. નેવાના પાણી મોભારે ચડાવતા આ કાલેશ્વરમ લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ (કેએલઆઇપી) ને હાલમાં વિશ્વનો સૌથી મોટો મલ્ટી-સ્ટેજ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. ગોદાવરી અને પ્રાણહિતા નદીઓના સંગમ પાસે ભારતીય ઉપખંડમાં સાતમા ક્રમનું સૌથી મોટું કુદરતી ડ્રેનેજ બેસિન બને છે. જ્યાં વાર્ષિક પાંસઠ લાખ એકર ફીટ પાણીનો સ્ત્રાવ થાય છે. આ પ્રાણહિતા નદી પોતે પણ વર્ધા, પેનંગા અને વાણંગા સહિતની વિવિધ ૧૫ જેટલી નાની-મોટી નદીઓનો સંગમ છે. રાજ્યની નદીઓમાં આટલું બધું પાણી હોવા છતાંપણ તેલંગાણાની જનતા પાણીના ટીપાં-ટીપાં માટે વલખાં મારવા પડતા હતા. નર્મદા યોજનાની જેમ જ આ પ્રોજેક્ટમાં પણ કહેવાતા પર્યાવરણવાદીઓએ આડા પગ કર્યા હતા.
તેમના કહેવા મુજબ આ પ્રોજેક્ટની સાઈટ અને કેનાલોની સાંકળ માટે મુખ્યત્વે ગીચ જંગલો, વન્યજીવન અભયારણ્ય તેમજ અન્ય સંવેદનશીલ ઝોન આવી રહ્યા છે, જેથી પર્યાવરણને બહુ મોટો ખતરો છે. આ આંદોલનકારીઓની અરજીને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ પ્રોજેક્ટના ચાલુ નિર્માણકાર્ય ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે મંજૂરી આપતા બધી નડતર દૂર થઈ હતી.
પરિણામે આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે ૨૧ જુન ૨૦૧૯ના રોજ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહનની ઉપસ્થિતિમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવએ આ પ્રોજેક્ટના પ્રથમ ચરણનું લોકાર્પણ કર્યું અને તેલંગાણાની જનતાના પાણીદાર દિવસો આવવાના શરૂ થયા હતા. આ મેગા પ્રોજેક્ટ દ્વારા રાજ્યભરની ૪૫ લાખ એકર જમીનમાં ખેતસિંચાઈ માટે તેમજ પીવાના પાણી અને ઔદ્યોગિક હેતુ માટે ૧૮૩૦ કિલોમીટર સુધીના વિસ્તાર સુધી પાણી પહોંચાડવાની નેમ રાખવામાં આવી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયે લોકમાતા ગોદાવરી નદીના પાણી રાજ્યના ૩૧ જીલ્લાના ૭૦ ટકાથી વધારે લોકો સુધી પહોંચશે. અંદાજીત સવા લાખ કરોડ રૂપિયાથી પણ વધુ રકમના ખર્ચે તૈયાર થનાર આ કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ એ દેશના કોઈપણ રાજ્ય દ્વારા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ સૌથી મોંઘો સિંચાઇ પ્રોજેક્ટ છે. સાત લિંક્સ, અગિયાર સ્ટેજ પમ્પીંગ અને
અઠયાવીસ પેકેજોમાં વહેંચવામાં આવેલ આ પ્રોજેક્ટ માટે કુલ ૨૦ વોટર લિફ્ટ અને ૧૯ જાયન્ટ પમ્પ હાઉસનો ઉપયોગ થશે. આ પ્રોજેક્ટનો સૌથી આકર્ષક મુદ્દો એ છે કે ગોદાવરી બેસીનમાં જ્યાં સમુદ્ર સપાટીથી ૧૦૦ મીટર જેટલું નીચું છે તેવી જગ્યાએથી એટલે કે કોંડાપોચમ્મા તળાવમાંથી વિદ્યુત પંપ વડે પાણીને ઊંચકીને સમુદ્ર સપાટીથી લગભગ ૬૫૦ મીટર ઊંચાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણીને ચડાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લીમીટેડ દ્વારા આ પાણીને ઉંચે ચડાવવા માટે ખાસ ૧૩૯ મેગાવોટના મોટા મોટા વોટર લીફટીંગ પંપ બનાવવામાં આવ્યા છે.
આ પંપ ચલાવવા માટે વીજળીની આવશ્યકતા પણ પ્રચંડ માત્રામાં ઉભી થનાર છે. એક અંદાજ મુજબ બે ટીએમસી પાણી ઉપાડવા માટે પાંચ હજાર મેગાવોટ વીજળીની અને ત્રણ ટીએમસી પાણી ચડાવવા માટે સવા સાત હજાર મેગાવોટ વીજળીની જરૂર પડશે. આ વીજળી પણ અહીના હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવશે. જોકે ગોદાવરી અને પ્રાણહિતા નદીઓના સંગમ સ્થળેથી મેડીગાડ્ડા, અન્નારામ અને સુંદિલા બેરેજમાં વીજળીનો ઉપયોગ કાર્ય વિના રિવર્સ પમ્પીંગની મદદથી પાણીને લીફ્ટ કરવામાં આવશે. રાજ્યમાં પાણી વિતરણ માટે ગુરુત્વાકર્ષણબળના નિયમોને આધારે નહેરો અને ટનલોનું એક આખું માળખું તૈયાર થઇ રહ્યું છે. જેમાં ૧૭૨૫ કિલોમીટરની ગ્રેવીટી કેનાલ તેમજ ૯૮ કિલોમીટરની પ્રેશર વેઇન્સ કે ડિલિવરી વેઇન્સ કેનાલો સામેલ છે. આ માટે ૧૩ જિલ્લામાં નવા ૨૦ મોટા તળાવો ખોદવામાં આવી રહ્યા છે. જેની કુલ ક્ષમતા ૧૪૫ ટીએમસી છે. આ તમામ જળાશયો આશરે ૩૩૦ કિલોમીટર સુધી કેનાલ નેટવર્ક દ્વારા એકબીજા સાથે જોડાશે. આમાં પણ સૌથી લાંબી ટનલ ૨૧ કિલોમીટર લાંબી હશે. જે યેલમ્પલ્લી તળાવને મેદારામ જળાશય સાથે જોડશે.
મેડિગડ્ડા, અન્નારામ અને સુંદિલામાં બેરેજના નિર્માણ થવાની સાથે યેલંપલ્લી અને શ્રીરામસાગર પ્રોજેક્ટ્સમાં બાંધવામાં આવેલા જળાશયો ભરવા માટે પાણી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત તેમાં મસાણી ટાંકી અને કોનડેમ ચેરુવુ તેમજ નિઝામ સાગર જેવા હાલના જળાશયો પણ જોડવામાં આવશે. આમ. આ કાલેશ્વરમ સિંચાઈની કેનાલોનું માળખું સમગ્ર રાજ્યને આવરી લે છે. નદીના પ્રવાહને અંદાજે ૨૦૦ કિલોમીટર સુધી ફેરવતો આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સાથે જ તે એક વર્લ્ડ રેકોર્ડ્સ બનશે. આ ઉપરાંત વિશ્વની સૌથી લાંબી ૧૪ કિલોમીટર સિંચાઇની ભૂગર્ભ ટનલનો વર્લ્ડ રેકોર્ડ તેમજ કેવરઓવર પૂલ ખાતેના પંપ કાર્યરત થતા જ વિશ્વમાં સૌથી વધુ બે હજાર મિલિયન ક્યુબીક વોટર લીફટીંગ કેપેસીટીનો વર્લ્ડ રેકોર્ડ પણ બનશે.