રંગ અને રોશનીનો પર્વ દિપાવલીની આજે ભાવેણાવાસીઓ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારી બાદ સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં પણ લોકો મુક્તપણે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી ભાવનગરની બજારોમાં ભારે ગીરદી જામી રહી છે અને લોકો ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ ગત રાત્રીના પણ મુખ્ય બજારોમાં મોડી રાત્રી સુધી ભારે ભીડ રહેવા પામી હતી અને આજે સવારથી જ બજારોમાં ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતાં અને સવારથી જ દિવાળી જેવો માહોલ જાેવા મળ્યો હતો.
ગત રાત્રીના લોકોએ પુજાપો તેમજ ફુલહાર સહિતની ખરીદી કરી હતી અને સવારે મહાલક્ષ્મી માતાજી સહિતના દર્શને પહોંચી ગયા હતાં. આજે સવારથી મહાલક્ષ્મી મંદિરે પણ લોકોની ભીડ જાેવા મળી હતી. દિવાળીના તહેવારો ઉજવવા લોકોમાં અનેરોે ઉત્સાહ આ વખતે જાેેવા મળી રહ્યો છે. લોકોએ સ્વયંભુ પોતાના ઘરો પર રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યોે છે. આ ઉપરાંત આજે રાત્રીના ફટાકડાની આતશબાજીમાં પણ લોકો કોઇ કચાસ રાખવામાં માંગતા ન હોય તેમ ફટાકડાની બજારમાં પણ ભારે ગીરદી જાેવા મળી હતી અને લોકો ભાવ વધારો હોવા છતાં ખરીદી કરી રહ્યા છે. વેપારીઓ અને દુકાનદારો દ્વારા સાંજે ચોપડા પૂજન કરવામાં આવશે જેની પણ તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. નૂતન વર્ષ પૂર્વે આવતીકાલે ધોકાનો દિવસ હોય લોેકો બે દિવસ દિવાળીની ઉજવણી કરશે. જાે કે, આવતીકાલે અમાસ અને ગ્રહણ હોય અને આ ગ્રહણ ટાળવાનું પણ હોય મોટાભાગના મંદિરો દર્શન માટે બંધ રહેશે અને સીધા બુધવારે બેસતા વર્ષના દિવસે ખુલશે. નૂતન વર્ષે વિવિધ મંદિરોમાં અન્નકોટ પણ ધરાવાશે અને છેલ્લા બે વર્ષ બાદ દિવાળી તથા નૂતન વર્ષની ઉજવણી કરવામાં લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. (તસવીર:મૌલિક સોની)