રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 8 મહિના થઈ ચૂક્યા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સીસની પ્રેક્ટિસનું નિરીક્ષણ કર્યું. જેમાં બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ વગેરેના લોન્ચિંગનો સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સી અનુસાર, ક્રેમલિને જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયાના વ્યૂહાત્મક પ્રતિરોધક દળોની તાલીમનું નિરીક્ષણ કર્યું, જે પરમાણુ યુદ્ધના ખતરાઓનો જવાબ આપવા માટે દરેક સમયે તૈનાત રહે છે. પરમાણુ હુમલાની ચેતવણીઓ વચ્ચે પુતિનના આ પગલાએ વિશ્વભરના દેશોમાં હડકંપ મચાવી દીધો છે.
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા પર યુદ્ધમાં ઈરાની ડ્રોનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કર્યો છે. તો અમેરિકાએ એકવાર ફરી રશિયાને પરમાણુ હથિયારોના ઉપયોગ સામે ચેતવણી આપી અને કહ્યું કે તે અવિશ્વસનીય રીતે એક ગંભીર ભૂલ હશે.
બાયડન વહીવટીતંત્રએ અગાઉ કહ્યું હતું કે, રશિયાએ નોટિસ આપી છે કે તે તેની પરમાણુ ક્ષમતાઓનો નિયમિતપણે અભ્યાસ કરવા માંગે છે, જ્યારે યુક્રેનના પરમાણુ ઉર્જા ઓપરેટરે દાવો કર્યો કે તેનો પાડોશી યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં કેટલાક ગુપ્ત કામ કરી રહ્યો છે.
દરમિયાન બાયડને વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે, ‘હું એટલું જ કહેવા માંગુ છું કે જો રશિયા વ્યૂહાત્મક પરમાણું હથિયારનો ઉપયોગ કરશે, તો તે એવિશ્વસનીય રીતે ગંભીર ભૂલ કરશે.’
અહીં બાયડન આ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે શું રશિયા ડર્ટી બોમ્બ અથવા પરમાણુ હથિયાર તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. બાયડને ભારપૂર્વક જણાવ્યું કે “હું તમને ગેરંટી નથી આપી રહ્યો કે આ અત્યાર સુધી એક ફાલ્સ ફ્લેગ ઓપરેશન છે; મને ખબર નથી, પરંતુ જો આવું થશે તો તે એક ગંભીર ભૂલ હશે.”