મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.
મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 132 લોકોના મોતની સત્તાવાર રીતે પુષ્ટી કરાઈ છે. આ આંકડો હજુ વધવાની આશંકા છે.
દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.
પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને 25 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ આ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના 110 સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની ૩-૩ પ્લાટુનના કુલ 149 જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ 10 બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની 2 ટીમના 50 ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા.