વકીલ વિશાલ તિવારીએ ત્યાં એક જનહિત અરજી કરીને આ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના કોઇ રિટાયર્ડ જજના નેતૃત્વમાં SIT બનાવીને તપાસ કરાવવાની માંગ કરી છે. વિશાલ તિવારીએ પોતાની અરજીમાં માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે દેશભરમાં જેટલા પણ જૂના પુલ કે ઐતિહાસિક ધરોહર છે, ત્યાં એકઠી થતી ભીડને મેનેજ કરવાનો નિયમ બનાવવામાં આવે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજ્યભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.અ ન્ય એક ટ્વિટમાં તેમણે જણાવ્યું કે, 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
જો બાઇડને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં પુલ તુટવાની દુર્ઘટનામાં પ્રિયજન ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના છે. ઘણા બધા લોકોના જીવ ગયા છે ત્યારે આ શોકમાં ગુજરાતના લોકો સાથે જોડાઇએ છીએ. આ મુશ્કેલ ઘડીમાં અમે ભારતીય લોકોની સાથે ઊભા રહીશું અને તેમનું સમર્થન કરીશું.






