મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે SIT ની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આ SITનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય. અરજીમાં માંગ કરવામાં આવી છે આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્મારક હોય ત્યાં ભીડ મેનેજ કરવા માટે કાયદા બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ અરજી કરવામાં આવી છે.
PM મોદી દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત
PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 141 લોકોના મોત નિપજ્યાં છે ત્યારે આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ અંગે મુખ્યમંત્રી કર્યાલય ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. વધુમાં મોરબી હોનારતને લઇને PM મોદીના આજના તમામ રાજકીય કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે.
2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકનું એલાન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં તારીખ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.